અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસ સામે આવેલા ન્યુ જય ભવાનીનગરમાં બંધ મકાનના બીજા માળે ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચની ગુના નિવારણ શાખા (PCB)એ દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલે કુલ 18 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન, ગંજીપાના અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી સહિત કુલ રૂ.1,62,760નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહીમાં જુગારધામનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલો સુનિલ અરજણભાઈ વાણીયા પોલીસના હાથમાં આવ્યો નથી અને હાલ ફરાર હોવાનું જણાવાયું છે.

બંધ મકાનના બીજા માળે ચાલતું હતું જુગારધામ

મળતી માહિતી મુજબ, PCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બપોરે આશરે 2 વાગ્યે ન્યુ જય ભવાનીનગરના ગેટ પાસે ખાનગી બાતમી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે ભવાનીનગર-પ્રગતિનગર વિસ્તારમાં રહેતો સુનિલ અરજણભાઈ વાણીયા પોતાના મળતીયાઓ મારફતે પૈસા, પાના અને કોઈનથી હારજીતનો જુગાર રમાડે છે.

બાતમીના આધારે પોલીસે જુગારધારા હેઠળ જરૂરી વોરંટ મેળવી પંચોને સાથે રાખીને મકાનના બીજા માળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન છ શખ્સો ગોળ કુંડાળું વળીને જુગાર રમતા મળી આવ્યા હતા, જ્યારે અન્ય શખ્સો આસપાસ ઊભા હતા અને એક વ્યક્તિ પલંગ પર બેઠેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

રોજના ભાડે મકાન અને જુગાર રમાડવા માટે અલગ માણસો રાખ્યા હતા

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જે મકાનમાં જુગારધામ ચાલતું હતું તે અશ્વિનભાઈ બાબુભાઈ પરમારનાં માતા લીલાબેન બાબુભાઈ પરમારના નામે હોવાનું જણાવાયું છે. મુખ્ય સૂત્રધાર સુનિલ વાણીયા આ મકાન માટે રોજના રૂ.500 ચૂકવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ ઉપરાંત જુગારધામના સંચાલન માટે અલગ-અલગ વ્યક્તિઓને રોજિંદા વેતન પર રાખવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. શૈલેષભાઈ ખમારને રોજના રૂ.1,000, જ્યારે મોહમંદયુસુફ પઠાણ અને રફીકએહમદ અંસારીને રોજના રૂ.500 ચૂકવવામાં આવતા હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે.

ગ્રાહકો પાસેથી નાણાં લઈને કોઈન અથવા રોકડ મારફતે જુગાર રમાડવામાં આવતો હતો. દરેક બાજી દીઠ સુનિલ વાણીયાને રૂ.50 કટકી મળતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

₹1.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

PCBની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને અન્ય વસ્તુઓ કબજે કરી હતી.

પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં:

  • 42 છૂટા ગંજીપાના
  • 72 પેક કેટો
  • શેતરંજ અને અન્ય જુગારની સામગ્રી
  • અલગ-અલગ રંગ અને મૂલ્યના 185 કોઈન
  • પ્લાસ્ટિક બાસ્કેટ
  • લાઇટ બિલ
  • રોકડ રૂ.30,760
  • 14 મોબાઇલ ફોન

આમ, પોલીસે કુલ રૂ.1,62,760નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચાર વૃદ્ધ આરોપીઓને નોટિસ આપી મુક્ત કરાયા

આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કુલ 18 શખ્સોનો સમાવેશ થાય છે. તેમાંથી ચાર વયોવૃદ્ધ આરોપીઓને નોટિસ આપીને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

આગળની તપાસ PSI હાર્દિક રામભાઈ ભેટારીયાને સોંપવામાં આવી છે.

મુખ્ય સૂત્રધાર સુનિલ વાણીયા ફરાર

આ સમગ્ર જુગારધામમાં મુખ્ય ભૂમિકા ભજવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલો સુનિલ અરજણભાઈ વાણીયા દરોડા દરમિયાન મળી આવ્યો નહોતો. હાલ તે ફરાર હોવાનું જણાવાયું છે. પોલીસ દ્વારા તેની શોધખોળ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વહીવટદારના આશીર્વાદ અને હપ્તાની ચર્ચા: તપાસનો વિષય

અમરાઈવાડીમાં લાંબા સમયથી જુગારધામ બેરોકટોક ચાલતું હોવાની અને સ્થાનિક સ્તરે વહીવટદાર મારફતે હપ્તાની લેવડદેવડ થતી હોવાની ચર્ચાઓ પણ ઊઠી રહી છે. જોકે, લાખોના હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપોની કોઈ સત્તાવાર પુષ્ટિ હાલ ઉપલબ્ધ નથી.

જો આવા આક્ષેપોમાં તથ્ય હોય તો તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. આખરે સવાલ એ છે કે રહેણાક વિસ્તારમાં બંધ મકાનના બીજા માળે આટલા મોટા પાયે જુગારધામ ચાલતું હોય તો તેની જાણ સ્થાનિક તંત્રને કેમ ન થઈ? PCBના દરોડા બાદ હવે આ સમગ્ર મામલે વધુ તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *