પરત આપેલા ફોનના ₹૧૨,૦૦૦ની માંગણી કરી મિત્ર અને તેની મહિલા સાગરીતે સોસાયટીના ગેટ પાસેથી જબરદસ્તી રિક્ષામાં બેસાડ્યો

હંસપુરા પોલીસે બ્રિજેશ ઉર્ફે ટોલીની ગણતરીના સમયમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે

અમદાવાદ તા.24

શહેરના નવા નરોડા વિસ્તારમાં મોબાઈલ ફોનના પૈસાની લેતીદેતી મામલે એક યુવકનું રિક્ષામાં અપહરણ કરી તેના પર પથ્થર અને લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હંસપુરા પોલીસે એક મહિલા સહિત બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના સમયમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, નવા નરોડા ખાતે ઉમા હોસ્પિટલની બાજુમાં આવેલા જય શક્તિનગરમાં રહેતા ૨૭ વર્ષીય દિગ્નેશભાઈ જયસુખભાઈ ગોહિલ ડ્રાઇવિંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી આશરે નવ મહિના પહેલાં દિગ્નેશભાઈએ તેમના મિત્ર બ્રિજેશ ઉર્ફે ટોલી વિજયભાઈ ભટ્ટ (રહે. ભટ્ટની ખડકી, નરોડા ગામ) પાસેથી એક વીવો કંપનીનો મોબાઈલ ફોન ખરીદ્યો હતો. જોકે, એક મહિના બાદ બ્રિજેશ ઉર્ફે ટોલીએ ફોનના ₹૧૨,૦૦૦ની માંગણી કરતાં દિગ્નેશભાઈએ તેને મોબાઈલ ફોન પરત કરી દીધો હતો. આમ છતાં, આરોપી બ્રિજેશ અવારનવાર ફોન કરીને પૈસાની ઉઘરાણી કરતો હતો. ગત રાત્રિના પોણા એક વાગ્યાના અરસામાં દિગ્નેશભાઈ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બ્રિજેશ ઉર્ફે ટોલીએ તેમને ફોન કરીને મળવા માટે બોલાવ્યા હતા. રાત્રિના એક વાગ્યે દિગ્નેશભાઈ અને તેમનો નાનો ભાઈ દિવ્યાંગ સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં બ્રિજેશ ઉર્ફે ટોલી અને તેની મહિલા મિત્ર લતાબેન સંતોષભાઈ સિંધે રિક્ષા (નં. GJ-27-Y-6185) લઈને ઊભા હતા. બ્રિજેશે વાત કરવાના બહાને દિગ્નેશભાઈને રિક્ષામાં બેસવા કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડતાં બંને આરોપીઓએ તેમને જબરદસ્તીથી રિક્ષામાં બેસાડી અપહરણ કર્યું હતું. આરોપીઓ દિગ્નેશભાઈને ભવાની ચોક ખાતે લઈ ગયા હતા અને ત્યાં ₹૧૨,૦૦૦ની માંગણી કરી ગાલ પર લાફા ઝીંકી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ તેઓ રિક્ષાને નરોડા-દહેગામ રિક્ષા સ્ટેન્ડ પાસે આવેલા જાહેર શૌચાલયની પાછળ લઈ ગયા હતા. ત્યાં દિગ્નેશભાઈએ ભાગવાનો પ્રયાસ કરતાં ઉશ્કેરાયેલા બ્રિજેશે પથ્થર ઉઠાવી તેમના કપાળના ડાબા ભાગે તથા ડાબા પગમાં માર્યો હતો. આટલેથી ન અટકતાં આરોપીએ લાકડી વડે બંને પગના સાથળના ભાગે ચાર-પાંચ ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓએ જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી દિગ્નેશભાઈને છોડી મૂક્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ દિગ્નેશભાઈએ હંસપુરા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ ઉર્ફે ટોલી વિજયભાઈ ભટ્ટ અને લતાબેન સંતોષભાઈ સિંધે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના સમયમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *