વગર પાસ-પરમિટે ગૌવંશનું કતલ કરી વેચાણ અર્થે માંસનો જથ્થો રખાયો હતો

પોલીસે ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ તા.24

શહેરના દક્ષિણ ઝોનમાં આવેલ ઈસનપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલ કરી તેના માંસનું વેચાણ કરવામાં આવતું હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઈસનપુર પોલીસે મિલ્લતનગર વિસ્તારમાં દરોડો પાડીને ભાડાની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ₹18,000ની કિંમતનો 90 કિલો ગોમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. આ બનાવ અંગે પોલીસે વિધિવત ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ઈસનપુર પોલીસ સ્ટેશનના બીટ નંબર 2 હેઠળ આવતા અને પોલીસ સ્ટેશનથી પૂર્વ દિશામાં આશરે એક કિલોમીટર અંતરે આવેલા મિલ્લતનગર, મુનશીનગર ખાતે રફીક હોટલ સામેની ગલીમાં ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ગલીમાં આવેલી મદિના કિરાણા સ્ટોરની બાજુમાં ફેસલ ઈકબાલભાઈ પટેલના રહેણાક મકાનની બહાર આવેલી ભાડાની દુકાન ખાતે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, સોમવારના રોજ સવારે આશરે 11:45 વાગ્યાના સુમારે કોઈપણ પ્રકારના અધિકૃત પાસ કે પરમિટ વગર ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલ કરીને વેચાણ અર્થે માંસનો જથ્થો રાખી હાજર રખાયો હતો.દુકાનની તલાશી લેતા તેમાંથી કુલ 90 કિલો ગોમાંસનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા 18,000 થાય છે. આ ગેરકાયદે કતલખાનું અને વેચાણ માટેનો જથ્થો રસુલાબાદ, ઈસનપુર ખાતે રહેતા અમન કુરેશી નામના શખ્સ દ્વારા ભાડાની દુકાનમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.આ સમગ્ર ઘટના અંગે ઈસનપુર પોલીસ મથકના 45 વર્ષીય પોલીસ કર્મચારી મસઈ શંકરભાઈ વાલજીભાઈએ રાત્રે 20:15 વાગ્યે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આરોપી અમન કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 325, પ્રણીઓની સાચવણી અંગેના અધિનિયમની કલમ 5(1)(1A), 6B, 8(2), 8(4), બીપીએમસી એક્ટની કલમ 335, 392 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *