સધી માતા રોડ પર સોમવારે રાત્રે બની ઘટના, ટ્યુશન ક્લાસના બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા

અપર કલેક્ટર લખેલી MP પાસિંગની ઇનોવા કારમાં સવાર બે શખ્સોને ટોળાએ ઝડપી પોલીસને સોંપ્યા; સમાધાન થતાં ફરિયાદ નહીં

અમદાવાદ તા.24

શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા સધી માતા રોડ પર સોમવારે રાત્રે પૂરઝડપે આવી રહેલી મધ્યપ્રદેશ (MP) પાસિંગની સરકારી કારે ટ્યુશનના વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર ઇનોવા કાર પર લાલબત્તી અને ‘અપર કલેક્ટર’નું બોર્ડ લાગેલું હતું, જે મધ્યપ્રદેશના અપર કલેક્ટરનો પુત્ર ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

સોમવારે રાત્રે આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને લઈને એક ઇકો કાર મોટેરાના સધી માતા રોડ પર ચાર રસ્તા ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલી MP પાસિંગની ઇનોવા કારે ઇકો કારને ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કારમાંથી ઉતરેલા બે શખ્સો વિદ્યાર્થીઓ પાસે ગયા હતા, જોકે સદનસીબે કોઈને ગંભીર ઇજા થઈ ન હતી.

ટોળાએ કારમાં લાલબત્તી અને ‘અપર કલેક્ટર’નું બોર્ડ જોતા બંને શખ્સોને રોકી રાખ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ બંને શખ્સોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ અંગે એલ-ડિવિઝન ટ્રાફિક પીઆઈ એસ.ડી. પટેલે જણાવ્યું હતું કે, “કારમાં મધ્યપ્રદેશના અપર કલેક્ટરનો પુત્ર સવાર હતો. જોકે, આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, પરંતુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *