ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી; કોઈ જાનહાનિ નહીં

અગાઉ પણ આગ લાગી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ

અમદાવાદ તા.24

સરખેજ-ગ્યાસપુર વિસ્તારમાં કેનાલ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને જીવ બચાવવા માટે નાસભાગનો માહોલ સર્જાયો હતો.


જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આશરે 80 જેટલાં ઝૂંપડાં આગની લપેટમાં આવી બળીને ખાખ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી, જેથી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.જોકે, આ આગ અકસ્માતે લાગી છે કે કોઈનું કાવતરું છે તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. એક જ સમયે બે અલગ-અલગ સ્થળે આગ લાગી હોવાની બાબત સામે આવતાં કોઈ અસામાજિક તત્ત્વોએ જાણીજોઈને આગ લગાવી હોવાની આશંકા પ્રબળ બની છે. સ્થાનિક વિસ્તારમાં પણ એવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે આ અગ્નિકાંડ પાછળ કોઈ અસામાજિક તત્ત્વોનો હાથ હોઈ શકે છે. આ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ચીફ મિથુન મિસ્ત્રીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ગ્યાસપુર પાસે કેનાલના બે અલગ-અલગ ઝૂંપડાઓમાં એક જ સમયે આગ લાગવી શક્ય નથી. તેમણે સ્પષ્ટ શંકા વ્યક્ત કરી છે કે આ આગ કુદરતી કે અકસ્માત ન હોઈ શકે.ફાયર વિભાગ દ્વારા બે અલગ-અલગ જગ્યાએ એકસાથે આગ લાગવાની બાબત અત્યંત શંકાસ્પદ જણાતાં તાત્કાલિક સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી છે. જાણ થતાં જ સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને આગ લાગવાના ચોક્કસ કારણો તથા અસામાજિક તત્ત્વોની સંદોવણી અંગે ઊંડી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અગાઉ પણ થોડા મહિના પહેલાં આ જ ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ટૂંકા ગાળામાં ફરી એકવાર આ જ વિસ્તારમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં સ્થાનિક રહીશોમાં ગંભીર ચિંતા અને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *