જૂનાગઢ: જૂનાગઢમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરીને ગાંજાના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કારમાં ગાંજાનો જથ્થો લઈ જઈ રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 29.634 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.14.81 લાખ થાય છે. પોલીસે કાર, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.16,12,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. 66 KVથી ખામધ્રોળ તરફ જતા રોડ પર SOGની કાર્યવાહી જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીને અટકાવવા પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે જૂનાગઢના 66 KVથી ખામધ્રોળ તરફ જતા રોડ પર દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન અલ્ટો કારમાં ગાંજાના પાર્સલ લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતાં કારમાંથી ગાંજાના 15 પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડી ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંજાના જથ્થા પાછળ છ શખ્સોની સંડોવણી સામે આવી પોલીસ તપાસમાં આ સમગ્ર ગેરકાયદેસર કારોબારમાં કુલ છ શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ મુખ્ય આરોપી આમીર અલીભાઈ મકરાણી દ્વારા ગાંજાનાં આશરે 25 પાર્સલ મંગાવવામાં આવ્યાં હતાં. આ ગાંજાનો જથ્થો સાચવવા માટે વારીસખાન મહેબુબખાન પઠાણને આપવામાં આવ્યો હતો. જ્યારે અલ્તાફ મકરાણી અને મુસ્તાકમીયા કાદરી મારફતે છૂટકમાં ગાંજાનું વેચાણ કરાવવામાં આવતું હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. પોલીસ દરોડા અંગેની બાતમી મળ્યા બાદ ગાંજાનો જથ્થો અન્ય સ્થળે ખસેડવાની કવાયત કરવામાં આવી હતી. આ માટે ઈલ્યાસ મકરાણી અને ઈમ્તિયાઝ સમાને અલ્ટો કાર સાથે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વારીસખાન પઠાણ, ઈલ્યાસ મકરાણી અને ઈમ્તિયાઝ સમા કારમાં ગાંજાના 15 પાર્સલ ભરીને નીકળ્યા હતા. આ દરમિયાન SOGની ટીમે કાર્યવાહી કરીને ત્રણેયને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા 3 આરોપી ઝડપાયેલા ત્રણ આરોપીઓ કોણ? પોલીસે આ કેસમાં નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે: ઈલ્યાસ ઉર્ફે ટીપુ અલીભાઈ મકરાણી (ઉંમર 36 વર્ષ) – રહે. દાતાર રોડ, નવા પુલ પાસે, જૂનાગઢ. ઈમ્તિયાઝ ઉર્ફે ડુહો અબ્દુલભાઈ સમા (ઉંમર 36 વર્ષ) – રહે. દાતાર રોડ, સંજય ગેસ એજન્સીની બાજુમાં, જૂનાગઢ. વારીસખાન મહેબુબખાન પઠાણ (ઉંમર 26 વર્ષ) – રહે. ખામધ્રોળ રોડ, કેમ્બ્રિજ સોસાયટી, જૂનાગઢ. અન્ય ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર આ ગુનામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં સામે આવેલા અન્ય ત્રણ શખ્સો હાલ ફરાર છે. જેમાં આમીર અલીભાઈ મકરાણી, અલ્તાફ ભીખુદીન મકરાણી અને મુસ્તાકમીયા બાઉદીનમીયા કાદરીનો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેયને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે. 16.12 લાખનો મુદ્દામાલ કબજે SOGની કાર્યવાહીમાં પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે: વનસ્પતિજન્ય ગાંજો – 29.634 કિલોગ્રામ, કિંમત રૂ.14,81,700 મોબાઇલ ફોન – 3 નંગ, કિંમત રૂ.30,000 અલ્ટો કાર નંબર GJ-06-ED-5957, કિંમત રૂ.1,00,000 રોકડ રકમ – રૂ.950 આમ કુલ રૂ.16,12,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આ સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો, તેની સપ્લાય ચેઇનમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે અને આ નેટવર્કમાં વધુ કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ SOGની આ કાર્યવાહીથી ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્કમાં ખળભળાટ મચ્યો છે. હવે ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ બાદ આ સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. Post navigation ચાંદખેડા પોલીસની નાક નીચે જાહેર બગીચામાં ‘અંદર-બહાર’નો જુગારધામ: ગુના નિવારણ શાખાએ દરોડો પાડી 12 શકુનીઓને ઝડપ્યા