અમદાવાદ :

​અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક પોલીસના નાઈટ-ડે પેટ્રોલિંગ અને બાતમીદાર નેટવર્કના ધજાગરા ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડા પોલીસ મથકથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ શાકમાર્કેટ નજીકના બગીચાની ઝાડી-ઝાંખરામાં ધમધમતા ‘અંદર-બહાર’ના જુગારધામ પર શહેર ગુના નિવારણ શાખા (ક્રાઇમ પ્રિવેન્શન બ્રાન્ચ)ની ટીમે રવિવારે બપોરે દરોડો પાડી 12 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે બહારની એજન્સીએ આવીને ₹63,700 રોકડા અને 14 મોબાઇલ મળી કુલ ₹1,94,700નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સો નાસી છૂટ્યા છે.


​ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ હરીશચંદ્રસિંહ અને સ્ટાફના માણસો રવિવારે બપોરે 2:30 વાગ્યે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે ચાંદખેડા ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટ પાસેના બગીચાની ઝાડીઓમાં કેટલાક શખ્સો પ્લાસ્ટિકનું મીણિયું પાથરીને પત્તા-પાના વડે નાણાંની હારજીતનો જુગાર રમી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ પ્રિવેન્શન બ્રાન્ચની ટીમે બે પંચોને સાથે રાખીને છૂટાછવાયા ચાલતા જઈ સ્થળ પર રેડ કરી હતી. અચાનક પોલીસ ત્રાટકતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે પીછો કરીને 12 શખ્સોને દબોચી લીધા હતા.
​દરોડા દરમિયાન દાવ પરથી ₹51,100 રોકડા અને પકડાયેલા આરોપીઓની અંગઝડતીમાંથી ₹12,600 મળી કુલ ₹63,700 રોકડા, ₹1,31,000ની કિંમતના 14 મોબાઇલ ફોન અને 65 નંગ પત્તા-પાના જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પીએસઆઇ બીપીનકુમાર સોમાભાઈ પરમારને તપાસ સોંપવામાં આવી છે.


​ઝડપાયેલા 12 આરોપીઓની યાદી
​પ્રકાશ અશ્વિનભાઈ પટેલ (ઉં.વ. 31, રહે. બહુચર ચોક, ગુ.હા. બોર્ડ, ચાંદખેડા)
​કુણાલ પંકજભાઈ પ્રજાપતિ (ઉં.વ. 32, રહે. દુર્ગા ચોક, ગુ.હા. બોર્ડ, ચાંદખેડા)
​સુરેશકુમાર ઉર્ફે સુર્યો કાંતીલાલ નાઈ (ઉં.વ. 46, રહે. ગુ.હા. બોર્ડ, ચાંદખેડા)
​પ્રકાશ પહુમલ છબલાણી (સિંધી) (ઉં.વ. 43, રહે. શુભલક્ષ્મીનગર, ગુ.હા. બોર્ડ, ચાંદખેડા)
​કિશન દિનેશભાઈ રાવત (ઉં.વ. 26, રહે. ગાયત્રીનગર, ગુ.હા. બોર્ડ, ચાંદખેડા)
​મનોજભાઈ વિજયભાઈ દંતાણી (ઉં.વ. 34, રહે. ગાયત્રીનગર, ગુ.હા. બોર્ડ, ચાંદખેડા)
​અભિષેક અલ્પેશભાઈ શાહ (ઉં.વ. 28, રહે. નુતન પ્રકાશ સોસાયટી, આઈઓસી રોડ, ચાંદખેડા)
​અશોક ભીમાજી ઠાકોર (ઉં.વ. 50, રહે. નવોવાસ, ચાંદખેડા ગામ)
​વિપુલકુમાર મહેરાજભાઈ દેસાઈ (ઉં.વ. 38, રહે. હરીઓમનગર વિભાગ-1, ડી કેબિન, સાબરમતી)
​મૌલીક ખેમચંદભાઈ પરમાર (ઉં.વ. 40, રહે. હરીમીલન સોસાયટી, સત્યમેવ હોસ્પિટલ પાછળ, ચાંદખેડા)
​ખુશવંત ઉર્ફે સની રાજેશભાઈ ઠક્કર (ઉં.વ. 26, રહે. આતિશ્ય-100, હિલલોક હોટલ પાછળ, ચાંદખેડા)
​વિક્રમસિંહ બળવંતસિંહ ઝાલા (ઉં.વ. 43, રહે. ખોડિયાનગર, ગુ.હા. બોર્ડ, ચાંદખેડા)
​ફરાર આરોપીઓ: હર્ષદ બળદેવભાઈ રાવત (રહે. ગુજરાત હાઉસિંગ, ચાંદખેડા), હર્ષદ રાવતનો માણસ અને દાવ પરથી મળી આવેલા બિનવારસી સેમસંગ મોબાઇલ ફોનનો ધારક.

‘વહીવટદાર’ની રહેમનજર હેઠળ ધમધમતો હતો અડ્ડો?
​ચાંદખેડા પોલીસ સ્ટેશનથી ઉત્તર દિશામાં માત્ર 1 કિલોમીટરના અંતરે જ ગુજરાત હાઉસિંગ બોર્ડ શાકમાર્કેટ નજીકનો બગીચો આવેલો છે. પોલીસ મથકના આટલા નજીકના વિસ્તારમાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકનું મીણિયું પાથરીને ‘અંદર-બહાર’નો જુગાર ચાલતો હોય અને સ્થાનિક પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ કે બીટ સ્ટાફને તેની જાણ સુદ્ધાં ન થાય તે બાબત અનેક સવાલો ઊભા કરે છે.


​સૂત્રોના જણાવ્યા મુજબ, સ્થાનિક પોલીસ સ્ટેશનના ‘વહીવટદાર’ની મીઠી નજર અને મૂક સંમતિ વગર પોલીસ સ્ટેશનની સાવ નજીક આ પ્રકારે જુગારનું ક્લબ ચલાવવું શક્ય નથી. આ જ કારણોસર જુગારના સંચાલક હર્ષદ બળદેવભાઈ રાવત અને તેના માણસો બેખૌફ બનીને જાહેર બગીચામાં જુગાર રમાડતા હતા. સ્થાનિક પોલીસની આ શંકાસ્પદ નિષ્ક્રિયતાને કારણે આખરે શહેર ગુના નિવારણ શાખાની ટીમે બહારથી આવીને દરોડો પાડવાની ફરજ પડી હતી, જેણે સ્થાનિક પોલીસની કામગીરીની પોલ ખોલી નાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *