વટવા-ઇસનપુર રોડ પર ગત 14 નવેમ્બરની રાત્રે પૂરઝડપે આવી રહેલી એક કારે લોડિંગ રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ફર્નિચરનો સામાન ખાલી કરીને દાણીલીમડા પરત ફરી રહેલી રિક્ષાને નડેલા આ અકસ્માતમાં રિક્ષાચાલક સહિત ત્રણ વ્યક્તિઓ રસ્તા પર ફંગોળાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર નજીકના ઇલેક્ટ્રિક થાંભલા અને કેનાલની દીવાલ સાથે અથડાઈ હતી, જે બાદ ચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જે-ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વટવા-ઇસનપુર રોડ પર ગત ૧૪ નવેમ્બરની રાત્રે પૂરઝડપે આવી રહેલી એક વરના કારે લોડિંગ રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. પોલીસ ફરિયાદ અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહમદ શાલર લાલમોહમદ શેખ અને તેમના મિત્ર મુનાફ યુસુફભાઈ શેખ ગત ૧૪ નવેમ્બરની રાત્રે દાણીલીમડા પોલીસ સ્ટેશન સામે આવેલી ન્યુ લકી ફર્નિચરની દુકાને હાજર હતા. તે સમયે લોડિંગ રિક્ષાના ડ્રાઈવર વસીમ સલીમભાઈ લીલગરે બંનેને ફર્નિચરનો સામાન વટવા નવાપુરા ખાતે ઉતારવાની મજૂરી કામ માટે બોલાવ્યા હતા.ત્રણેય જણા નવાપુરા ખાતે ફર્નિચરનો સામાન ઉતારીને લોડિંગ રિક્ષામાં પરત દાણીલીમડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વટવા-ઇસનપુર રોડ પર ગેબનશા પીર દરગાહ કેનાલ ચાર રસ્તા પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે આવેલી વરના કારે લોડિંગ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાચાલક સહિત રિક્ષામાં સવાર ત્રણેય વ્યક્તિઓ ઉછળીને રસ્તા પર ફંગોળાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના કારણે રિક્ષાની પાછળની બોડીનો ભાગ છૂટો પડી ગયો હતો અને રિક્ષા ફૂટપાથ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી.બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ કાર કેનાલ પાસેના ઇલેક્ટ્રિક થાંભલા અને કેનાલની દીવાલ સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા એકઠા થતા કારચાલક ઘટનાસ્થળે જ પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય જણાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા જે-ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર વરના કાર મહેસાણા પાસિંગની હોવાનું જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *