નાણાંની લાલચ આપી મોં બંધ રાખવા ધમકી આપી; અગાઉ અન્ય મહિલા કર્મચારી સાથે પણ કારમાં અડપલાં કર્યાનો આક્ષેપ

મોટેરા પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે

અમદાવાદ તા.21

શહેરના મોટેરા વિસ્તારમાં આવેલ વિસ ફોર ડી મોલમાં આવેલી એક ખાનગી ઓફિસના માલિક સામે ૨૦ વર્ષીય પરિણીત યુવતીની છેડતી અને અયોગ્ય માંગણી કરવા બદલ મોટેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મોટેરા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ ૭૫ અને ૭૯ હેઠળ ઓફિસ માલિક નિર્મલ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતી મોટેરા સ્થિત વિસ ફોર ડી મોલના ચોથા માળે આવેલી ‘પેટ્રોકેમ’ નામની ઓફિસમાં નોકરી કરે છે. ગત તારીખ ૧૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરના આશરે ચારથી સાડા ચાર વાગ્યાના સુમારે, ઓફિસમાં સાથે કામ કરતી અન્ય મહિલા કર્મચારી કામ અર્થે બહાર ગઈ હોવાથી યુવતી ઓફિસમાં તદ્દન એકલી હાજર હતી. આ તકનો લાભ લઈને ઓફિસના શેઠ નિર્મલ મહેતાએ યુવતી પાસે આવીને અચાનક તેનો હાથ પકડી લીધો હતો. આરોપીએ બળજબરીપૂર્વક યુવતી સાથે મિત્રતા રાખવા દબાણ કર્યું હતું અને તેનો હાથ છોડાવવા છતાં ફરીથી હાથ પકડી અયોગ્ય શારીરિક સ્પર્શ તેમજ અડપલાં કર્યા હતા.એટલું જ નહીં, આરોપી શેઠ નિર્મલ મહેતાએ યુવતીને કૌટુંબિક અને આર્થિક મદદ કરવાની તેમજ પૈસાની લાલચ આપી પોતાની સાથે સંબંધ રાખવા માટે સતત દબાણ કર્યું હતું. ઘટના સમયે યુવતીએ વિરોધ દર્શાવી પોતાનો બચાવ કર્યો હતો, જેના પર આરોપીએ આ બાબતે કોઈને પણ જાણ ન કરવા ધમકી આપી હતી. બાદમાં યુવતીને જાણવા મળ્યું હતું કે દિવાળી પહેલાં પણ આરોપી નિર્મલ મહેતાએ પોતાની ગાડીમાં અન્ય એક સહકર્મચારી મહિલા સાથે આવી જ રીતે છેડતી અને અડપલાં કર્યા હતા.આ બનાવથી ભયભીત થયેલી યુવતીએ પોતાના પતિ અને પરિવારજનોને તમામ હકીકત જણાવી હતી. પરિવારની સંમતિ અને હિંમત બાદ યુવતીએ મોટેરા પોલીસ મથકે પહોંચી આરોપી માલિક સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી. મોટેરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી નિર્મલ મહેતા વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *