બોગસ પેઢીના કાગળોથી ૭ બેંક ખાતા ખોલાવી કમિશન મેળવતા શાતિર ઠગો, એક આરોપી અગાઉ NDPS કેસમાં જેલમાં ગયો હતો મુંબઈના નાલાસોપારા અને વિરાર વિસ્તારમાંથી ૪ આરોપીઓની અટકાયત કરી અમદાવાદ તા.21 વેપારી અને કંપનીઓ વચ્ચે થતા ઈ-મેઈલ વ્યવહારમાં ઘૂસણખોરી કરી ફેક ઈ-મેઈલ આઈડી વડે લાખો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય સાયબર ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. મુંબઈ ખાતે દરોડો પાડીને ઈ-મેઈલ સ્પૂફિંગ દ્વારા છેતરપિંડી આચરતા ૪ સાયબર ઠગોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ ફરિયાદીની ગ્લોબલ પેન્ટ્રી ગ્રોસરી કંપની અને માયા એગ્રોવેટ લિમિટેડ કંપની વચ્ચે ચાલી રહેલા ધંધાકીય ઈ-મેઈલ કન્વર્ઝેશનમાં ગેરકાયદે પ્રવેશ કરી કમ્પ્યુટર સિસ્ટમ હેક કરી હતી. ત્યારબાદ આરોપીઓએ માયા એગ્રોવેટના માલિકનું મૂળ ઈ-મેઈલ આઈડી ahgandhi.vishal@gmail.com બદલીને તેના બદલે સ્પૂફ ઈ-મેઈલ આઈડી ahgandhi.vishal63@gmail.com બનાવી અન્ય બે બોગસ ઈ-મેઈલ આઈડી સીસીમાં રાખી દીધા હતા.આ ઠગોએ યસ બેંકના બનાવટી લેટરપેડ ઉપર એકાઉન્ટ પર્સનલ નેમમાં માયા એગ્રોવેટ લિમિટેડ અને રજિસ્ટર્ડ એકાઉન્ટ નેમમાં આર. કે. એન્ટરપ્રાઇઝ લખી, યસ બેંકનો બનાવટી સિક્કો અને સહીવાળો પત્ર મોકલી આપ્યો હતો. જેના આધારે રૂ. ૬,૫૫,૧૧૧ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થતાં પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી મુંબઈના નાલાસોપારા અને વિરારમાંથી રવીન્દ્રકુમાર રંગીલાલ કશ્યપ (ઉં.વ.૪૨), મોહમ્મદ રિયાઝ અબ્દુલ મજીદ અંસારી (ઉં.વ.૩૮), કમલેશ અમરસિંહ (ઉં.વ.૪૧) અને ઝુલ્ફિકારઅલી અબ્બાસઅલી સિદ્દીકી (ઉં.વ.૪૭) ને પકડી પાડ્યા હતા.પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી કમલેશે બોગસ દુકાન, પેઢી રજિસ્ટ્રેશનના કાગળો અને સ્ટેમ્પ બનાવીને નકલી બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. રવીન્દ્રકુમારે પોતાના ૭ બેંક ખાતાઓ સહ-આરોપી મોહમ્મદ રિયાઝને આપ્યા હતા, જેમાં ફ્રોડની રકમ જમા થતી હતી. રિયાઝ અને રવીન્દ્ર રોકડ રકમ ઉપાડી કમિશન મેળવતા અને નાણાં કમલેશ તથા ઝુલ્ફિકારઅલીને પહોંચાડતા હતા. ઝુલ્ફિકારઅલી ફ્રોડના પૈસા નંખાવી કમિશન મેળવતો હતો અને તે અગાઉ એનડીપીએસ ગુનામાં પણ જેલ જઈ ચૂક્યો છે. સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. Post navigation મોટેરાના મોલમાં ઓફિસના શેઠે એકલી જોઈ પરિણીતાની છેડતી કરી, ‘ફ્રેન્ડશિપ’ રાખવા દબાણ કર્યું અમદાવાદમાં SOGનો સપાટો: રૂ. ૧.૦૭ લાખના ગાંજા અને MD ડ્રગ્સ સાથે તસ્કરો દબોચાયા