રૂ. 2.94 કરોડનો સ્ટોક બારોબાર વેચી દીધો; બળજબરીથી કેન્સલેશન ડીડ પર સહી કરાવી લીધી પોલીસે ભાગીદાર, કાકા સહિતના શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદ તા.21 મોટેરા વિસ્તારમાં આવેલી જાણીતી ‘યુનાઈટેડ-18 ક્લોથીંગ કંપની’ના ભાગીદાર વિશાલ શાહ સાથે તેમના જ બિઝનેસ પાર્ટનર સાગર શાહ અને સગાંઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગોડાઉનમાં લાગેલી આગના ઈન્સ્યોરન્સના કરોડો રૂપિયા બેંકમાં જમા થતાં જ ભાગીદારે ઓટીપી (OTP) નો દુરુપયોગ કરી રકમ બારોબાર ટ્રાન્સફર કરી લીધી હતી. આ મામલે વેપારીએ ભાગીદાર સાગર શાહ, તેમના કાકા જીતેશ શાહ સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદની વિગતો મુજબ, મોટેરાના વિશાલ શાહે 7 ફેબ્રુઆરી 2017ના રોજ સાગર શાહ સાથે 50-50 ટકાની ભાગીદારીમાં રેડીમેઇડ કપડાંનો હોલસેલ વેપાર શરૂ કર્યો હતો. તેમણે દેશભરમાં આશરે 250 ફ્રેન્ચાઇઝી આપી કુલ રૂ. 15.63 કરોડની ડિપોઝિટ મેળવી હતી. આ ધંધામાં વિશાલ શાહે રૂ. 19.72 કરોડ અને સાગર શાહે રૂ. 3.41 કરોડનું રોકાણ કર્યું હતું. કંપનીના બેંક ખાતાઓ બંને ભાગીદારોની સહીથી ઓપરેટ થતા હતા, પરંતુ ત્રણેય ખાતામાં સાગર શાહનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવાથી તમામ ઓટીપી તેના મોબાઈલ પર જ આવતા હતા.દરમિયાન, 1 ઓક્ટોબર 2024ના રોજ કંપનીના ગોડાઉનમાં રાખેલો આશરે રૂ. 16 કરોડનો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની તરફથી ક્લેમ પાસ થતાં 2 સપ્ટેમ્બર 2025ના રોજ રૂ. 8.01 કરોડ બેંક ખાતામાં જમા થયા હતા. આ રકમ જમા થતાં જ સાગર શાહે ઓનલાઇન બેંકિંગનો દુરુપયોગ કરી બલ્ક એક્સેલ શીટ બનાવી લીધી હતી. તેણે પોતાના તથા ‘ધનજી ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન’ના ખાતામાં રૂ. 11.43 લાખ અને કાકા જીતેશ શાહ તથા ‘રાકેશ પ્રોવિઝન સ્ટોર્સ’ના ખાતામાં રૂ. 4.70 કરોડ મળી કુલ રૂ. 5.60 કરોડ બારોબાર ટ્રાન્સફર કરી લીધા હતા.આ છેતરપિંડી અંગે જાણ થતાં વિશાલ શાહે બેંકને ઈ-મેઈલ કરી ખાતું બ્લોક કરાવ્યું હતું. ત્યાર બાદ સાગર અને તેના પિતા રાકેશ શાહે અન્ય શખ્સોને સાથે રાખી વિશાલ શાહ પર ભાગીદારીમાંથી છૂટા થવાનું લખાણ આપવા દબાણ કર્યું હતું. 10 સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ વિશાલ શાહને જબરજસ્તી ત્રાગડ ખાતેની નોટરી ઓફિસે લઈ ગયા હતા અને કર્મચારીને 5 ટકા ભાગીદાર બનાવી કેન્સલેશન ડીડ પર બળજબરીથી સહીઓ કરાવી અસલ ડીડ લઈ ગયા હતા.બીજી તરફ કંપનીના ઓડિટમાં બહાર આવ્યું કે સાગરે પીપળજ ગોડાઉનમાં રાખેલા રૂ. 4.74 કરોડના સ્ટોકમાંથી આશરે રૂ. 2.94 કરોડનો માલ પણ બારોબાર વેચી નાણાં પચાવી પાડ્યા હતા. આ ઉપરાંત સાગરે નોકરીએ રખાવેલા પોતાના મામાના દીકરા દિવ્યાન શાહ અને એકાઉન્ટન્ટ મિહિર ભટ્ટના ખાતામાં પણ રૂ. 2.37 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Post navigation ૧૫ વર્ષીય સગીરાને રાજસ્થાનના નોખા ગામે ગોંધી રાખી દુષ્કર્મ આચરનાર શખ્સ અને ૩ મહિલા સામે ફરિયાદ નવરંગપુરામાં ઈ-કોમર્સ કંપનીનો ડિલિવરી બોય ૧૨૦ પાર્સલ અને COD ની રકમ લઈ ફરાર