૧૮ મોબાઈલ, ૪ ટેબલેટ, કિંમતી ઘડિયાળો, કપડાં અને કોસ્મેટિક્સ ભરેલા પાર્સલ લઈ છૂ થઈ ગયો નવરંગપુરા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે અમદાવાદ તા.21 અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ઈ-કોમર્સ કંપનીના સ્ટોરમાંથી ગ્રાહકો સુધી પહોંચાડવાના આશરે ૧૨૦ જેટલા કિંમતી પાર્સલ લઈને ડિલિવરી બોય ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિલિવરી બોયનો સંપર્ક ન થતાં તેમજ તેનો મોબાઈલ ફોન બંધ આવતા કંપનીના એન્ફોર્સમેન્ટ અધિકારીએ આ અંગે નવરંગપુરા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા અતીક અહેમદ બેંગ્લોરની એક ઈ-કોમર્સ કંપનીમાં એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. આ કંપનીનો સ્ટોર નવરંગપુરાના કોમર્સ સ્ટેડિયમ રોડ પર આવેલો છે. મૂળ રાજસ્થાનના જાલોરનો વતની પોપટલાલ પારસારામ ગત ૧૮ ઓગસ્ટના રોજ આ સ્ટોરમાં ડિલિવરી બોય તરીકે નોકરીમાં જોડાયો હતો.ગત ૧૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યે પોપટલાલ ગ્રાહકોને સામાન પહોંચાડવા માટે સ્ટોરમાંથી ૧૨૦ પાર્સલ લઈને નીકળ્યો હતો. પરંતુ મોડી સાંજ સુધી તે સ્ટોર પર પરત ફર્યો નહોતો. જેથી સ્ટોરના સ્ટાફે તેનો સંપર્ક કરવા ફોન કરતા મોબાઈલ ફોન બંધ આવતો હતો. ફોન બંધ આવતા કંપની દ્વારા તપાસ શરૂ કરાતા માલૂમ પડ્યું કે પોપટલાલ ગ્રાહકોને આપવાના પાર્સલ લઈને ગાયબ થઈ ગયો છે.પોપટલાલ જે ૧૨૦ પાર્સલ લઈ ગયો હતો તેમાં ૧૮ મોબાઈલ, ૪ ટેબલેટ અને અન્ય ૯૮ પાર્સલમાં કિંમતી કપડાં, પરફ્યુમ, બેગ, કોસ્મેટિક્સ અને ઘડિયાળો જેવી કિંમતી સામગ્રી હતી. આ ઉપરાંત આરોપી ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી કેશ ઓન ડિલિવરી (COD) ની રકમ પણ કંપનીમાં જમા કરાવ્યા વિના ફરાર થઈ ગયો છે. કંપનીના અધિકારી અતીક અહેમદની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી પોપટલાલને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. Post navigation ગોડાઉનમાં આગ લાગતાં મળેલા વીમાના 8 કરોડ બેંકમાં જમા થતાં જ ભાગીદારે OTP નો દુરુપયોગ કરી કાકા-પોતાના ખાતામાં 5.60 કરોડ ટ્રાન્સફર કરી લીધા ગાંધીનગરના 52 વર્ષીય શિક્ષકને 7 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ કરી 24 લાખ પડાવ્યા