માણસાના ઇટાદરાના ખેડૂત કેવાયસી કરાવવા બેંકમાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો

બેક ખાતા સાથે રજિસ્ટર મોબાઈલ નંબર પર નાણાં ડેબિટ થયાનો એક પણ મેસેજ આવ્યો ન હતો

ગાંધીનગર

​ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામમાં રહેતા ૪૬ વર્ષીય ખેડૂત અલ્પેશભાઈ સોમાભાઈ પટેલનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા શખ્સોએ તેમના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ. 10.61 ની ઓનલાઈન ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે.  તા 1 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર દરમિયાન અજાણ્યા સાયબર ગઠિયાઓએ ખેડૂતની જાણ બહાર જુદા-જુદા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે આ રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

ઇટાદરા ગામના વડવાળું ફળિયામાં રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અલ્પેશભાઈ સોમાભાઈ પટેલ ઇટાદરા સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં સેવિંગ ખાતું ધરાવે છે. ગત તા. 18 ના રોજ સવારે ૧૧ વાગ્યે તેઓ પોતાના બેંક ખાતાનું કે.વાય.સી. કરાવવા માટે બ્રાન્ચમાં ગયા હતા. ત્યાં તેમણે ખાતામાં રૂ. 500 જમા કરાવ્યા બાદ પાસબુકમાં એન્ટ્રી કરાવી હતી. પાસબુક તપાસતા તેમને જાણ થઈ હતી કે તા. 1 થી 12 ઓક્ટોબર ના સમયગાળા દરમિયાન અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 10.61 લાખ તેમની જાણ બહાર ઉપડી ગયા છે.  આ જોઈને ચોંકી ઉઠેલા અલ્પેશભાઈએ તાત્કાલિક બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો. મેનેજરે ખાતું તપાસીને જણાવ્યું હતું કે તેમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા છે. જોકે, અલ્પેશભાઈએ આવા કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા ન હોવાનું અને ખાતા સાથે લિંક રજિસ્ટર મોબાઈલ નંબર પર નાણાં કપાયા અંગેનો કોઈ મેસેજ પણ આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. બેંક મેનેજરે મોબાઈલ હેક થયો હોવાની આશંકા વ્યક્ત કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા સલાહ આપી હતી. ત્યારબાદ અલ્પેશભાઈએ કલોલ તાલુકાના નવા ગામના તેમના મિત્ર અમીતસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલાની મદદથી સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *