સોલા, સેટેલાઇટ, રાણીપ અને વાસણામાંથી મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા

પોલીસે ૭૫૦ ગ્રામથી વધુ ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી

અમદાવાદ તા.21

અમદાવાદ શહેરમાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને છૂટક વેચાણ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ એનડીપીએસ (NDPS) ઝુંબેશ હેઠળ શહેરના જુદા-જુદા ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને કુલ ૭૫૦ ગ્રામથી વધુ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની અલગ-અલગ ટીમોએ ત્વરિત કાર્યવાહી કરી સોલા, સેટેલાઇટ, રાણીપ અને વાસણામાંથી ૫ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે પકડાયેલા શખ્સોને માલ પૂરો પાડનારા મુખ્ય સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

૧: સોલા હાઇકોર્ટ પોલીસ:ઘરમાંથી જ ચાલતા નેટવર્કનો પર્દાફાશ ૪૭૪ ગ્રામ ગાંજો જપ્ત

સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે વસંતનગર ટાઉનશીપ, ગોતા સ્થિત વીર સાવરકર હાઇટ્સ-૦૧ ના મકાન નંબર એફ/૮૦૧ માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી આરોપી રવી ચંદુભાઈ મકવાણા (ઉં.વ. ૩૬) ના કબ્જામાંથી રૂ. ૨૩,૭૦૫ ની કિંમતનો ૪૭૪ ગ્રામ ૧૦૦ મિલીગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા રૂ. ૫૦૦ ની કિંમતનો ડીજીટલ વજનકાંટો મળીને કુલ રૂ. ૨૪,૨૦૫ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

૨: સેટેલાઇટ પોલીસ:બે અલગ-અલગ દરોડામાં બે આરોપીઓ ગેરકાયદે જથ્થા સાથે પકડાયા

સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બે જુદા-જુદા સ્થળોએ સફળ દરોડા પાડ્યા હતા. પ્રથમ બનાવમાં જોધપુર ગામ રોડ અનુપમ સોસાયટી વિભાગ-૧ ની સામે ખુલ્લા પ્લોટમાંથી આરોપી ભાવિન શૈલેષભાઈ વાઘેલા (ઉં.વ. ૨૭) ને રૂ. ૨,૨૫૦ ની કિંમતના ૪૫ ગ્રામ ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી રોકડા રૂ. ૨૦૦, મોબાઈલ ફોન અને એક્ટિવા વાહન મળી કુલ રૂ. ૩૨,૪૫૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

જ્યારે બીજા બનાવમાં રામદેવનગરના છાપરા જોગણી માતાના મંદિર પાસે જાહેર રોડ પરથી આરોપી રતન ઉર્ફે રનિલાલ વાલજીભાઈ મકવાણા (ઉં.વ. ૨૦) ના કબ્જામાંથી રૂ. ૩,૩૫૦ ની કિંમતનો ૬૯ ગ્રામ ગાંજો તથા ઇલેક્ટ્રિક કાંટો મળી આવ્યા હતા. તપાસમાં ખૂલ્યું હતું કે આ જથ્થો સાબરમતી જેલ પાછળ રહેતા છમીયાભાઈ પાસેથી લાવવામાં આવ્યો હતો.

૩: રાણીપ અને વાસણા:છૂટક વેચાણ કરતી મહિલા અને યુવક જેલભેગા

રાણીપ પોલીસ સ્ટેશનની ટીમે સુભાષબ્રિજ નજીક કેશવનગર મદ્રાસીની ચાલી આગળ જાહેરમાંથી આરોપી જલાલ જલીલ સૈયદ (ઉં.વ. ૪૦) ને રૂ. ૬,૨૫૦ ની કિંમતના ૧૨૫ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. આરોપી આ જથ્થો મહેશ અંબાલાલ અધિકારી પાસેથી લાવ્યો હોવાનું જણાવતા તેને વોન્ટેડ દર્શાવાયો છે. બીજી તરફ, વાસણા પોલીસ સ્ટેશનની ટીમે વાસણા AMC ની દિવાલ પાસે જાહેર રોડ પરથી આરોપી મહિલા ડોલીબેન હરેશભાઈ પરમાર (ઉં.વ. ૫૫) ને રૂ. ૧,૯૬૪ ની કિંમતના ૩૯ ગ્રામ ૨૮૦ મિલીગ્રામ ગાંજા અને રૂ. ૨,૫૬૦ ની રોકડ સાથે ઝડપી લીધી હતી. આ જથ્થો પૂરો પાડનાર ઉર્મિલાબેન વિનોદભાઈ પરમાર સામે પણ ગુનો નોંધી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *