ઓઢવમાં સંકટમોચન હનુમાન મંદિર પાસેના મકાનમાંથી ૧.૧૮૪ કિલો ગાંજો અને ₹૪૨,૮૫૦ રોકડા જપ્ત; બે શખ્સો ગિરફ્તાર

રિલીફ રોડ નજીકથી એક શખ્સ ચરસ અને મેફેડ્રોન ડ્રગ્સના ગેરકાયદે જથ્થા સાથે એસઓજીની ગિરફ્તમાં આવ્યો

અમદાવાદ તા.21

શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરાફેરીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ કમિશનર તથા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એસઓજીની અલગ-અલગ ટીમોએ સઘન વોચ રાખીને શહેરના બે જુદા-જુદા વિસ્તારોમાંથી નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડી નશાના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાર પાડવામાં આવેલા પ્રથમ દરોડાની વિગતો મુજબ, પો.ઇન્સ. કે.ડી. ગોહીલ તથા પો.સ.ઇ. એ.કે. પઠાણની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઓઢવ રીંગ રોડ પર આવેલા ગુજરાવાડી પાર્ક પાછળ, સંકટમોચન હનુમાન મંદિર પાસે મકાનમાં ગેરકાયદેસર નશીલો પદાર્થ છુપાવવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે સર્વે નં. ૧૮૮ વાળા મકાનમાં દરોડો પાડી વગર પાસ-પરમિટનો ૧ કિલો ૧૮૪ ગ્રામ ગાંજાનો જથ્થો (કિંમત રૂ. ૫૯,૨૦૦) શોધી કાઢ્યો હતો. સ્થળ પરથી રૂ. ૪૨,૮૫૦ની રોકડ રકમ, રૂ. ૫,૦૦૦નો મોબાઈલ ફોન, પેકિંગ મટીરીયલ અને ડિજિટલ વજનકાંટો મળી કુલ રૂ. ૧,૦૭,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે સંજય છન્નુલાલ બાજપાઈ (ઉં.વ. ૫૨, રહે. ઓઢવ) અને મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુરના વતની ધરમવીરસિંહ શ્રીરામખીલાવનસિંહ રાજપૂત (ઉં.વ. ૨૬) નામના બે આરોપીઓની ધરપકડ કરી ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પીઆઈ આર.એ. ભોજાણીએ તપાસ હાથ ધરી છે. જ્યારે એસઓજી દ્વારા કરવામાં આવેલી બીજી મહત્વની કાર્યવાહીમાં, પો.ઇન્સ. સી.બી. ચૌહાણ તથા પો.સ.ઇ. જે.બી. દેસાઈ અને હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ (બાતમી) સહિતની ટીમે રિલીફ રોડ વિસ્તારમાંથી બાતમીના આધારે સફળ દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે રિલીફ રોડ નજીકથી નાસીરખાન પઠાણ નામના ઇસમને આંતરીને તેની પાસેથી રૂ. ૧૮,૬૮૦ની કિંમતનો ચરસ અને એમડી (મેફેડ્રોન) ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો કબ્જે કરીને તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.એસઓજી ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં નશીલા પદાર્થોના કારોબારમાં સંકળાયેલા તત્ત્વો સામે આવી સઘન કાર્યવાહી ચાલુ રહેશે. આ સાથે જ નશામુક્ત સમાજના નિર્માણ માટે જાહેર જનતાને પોલીસને સહયોગ આપવા અને ‘Say No to Drug, Yes to Life’ નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *