ધોળકાના ઇકબાલ પાસેથી જથ્થો મેળવી છૂટકમાં વેચાણ કરવાનો ખુલાસો

એસ.ઓ.જી.એ એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

અમદાવાદ તા.22

શહેર એસ.ઓ.જી. (SOG) ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે જુહાપુરા વિસ્તારમાં દરોડો પાડીને ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વેજલપુરના બરફની ફેક્ટરી રોડ પર આવેલી નૂર-એ-ઇલાહી સોસાયટીના પ્રથમ મકાનમાંથી રૂ. ૧૮,૪૧૦ ની કિંમતનો ૧ કિલો ૮૪૧ ગ્રામ માદક પદાર્થ ગાંજો તથા રૂ. ૨,૬૦,૦૦૦ ની રોકડ રકમ સહિત કુલ રૂ. ૩,૬૫,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી ફારુક પીરમોહમ્મદ અલ્લારખા શેખ (ઉંમર ૪૬) ની અટકાયત કરી છે.

મળતી વિગતો અનુસાર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મંગળસિંહ અને તેમની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરા ખાતે રહેતો ફારુક શેખ પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સરકારી પંચો અને એફ.એસ.એલ. (FSL) અધિકારીને સાથે રાખી મકાનમાં દરોડો પાડ્યો હતો.મકાનની ઝડતી તપાસ દરમિયાન પ્લાસ્ટિક પાર્સલ અને ટ્રાન્સપરન્ટ ઝીપલોક બેગમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત વેચાણમાંથી એકત્ર થયેલા રૂ. ૨,૬૦,૦૦૦ રોકડા, રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન, બે ડિજિટલ વજન કાંટા, આધાર કાર્ડ અને પેકિંગ સાધન-સામગ્રી મળી આવી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી ફારુક શેખ આ નશીલો જથ્થો ધોળકાના ઇકબાલ પાસેથી લાવતો હતો અને બરફની ફેક્ટરી પાસે રહેતો અન્ય ઇકબાલ તેને વેચાણમાં મદદ કરતો હતો. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *