એરપોર્ટ વિસ્તારમાંથી 59 વર્ષીય વૃદ્ધા અને કૃષ્ણનગરમાંથી 21 વર્ષનો યુવક પકડાયો હાઇબ્રિડ ગાંજો, રોકડા, મોબાઇલ અને એક્ટિવા જપ્ત કરાયા અમદાવાદ તા.22 શહેરમાં માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. શહેરના એરપોર્ટ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે અલગ-અલગ સ્થળે સફળ દરોડા પાડીને ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રથમ બનાવની વિગત મુજબ, એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.જી. ચાવડા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરદારનગર વિસ્તારમાં આવેલા લીંબડીયાના છાપરાં, રાજ્યાપીર દરગાહ નજીક ભદ્રેશ્વર ખાતે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઝૂંપડામાંથી 59 વર્ષીય કમલાબેન વસંતભાઈ ભીલ નામના મહિલા ઝડપાઈ ગયા હતા. પોલીસે તલાશી લેતાં તેમના કબજામાંથી રૂ. 1,233.50 ની કિંમતનો 24.63 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. આ સિવાય પોલીસે રૂ. 3,000 ની કિંમતનો વિવો મોબાઇલ ફોન તથા પ્લાસ્ટિકની ખાલી પડીકીઓ મળી કુલ રૂ. 4,233.50 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહિલાની પૂછપરછમાં આ ગાંજો સરદારનગરના આકાશ ભીખુભાઈ ભીલ પાસેથી ખરીદ્યો હોવાનું સામે આવતાં પોલીસે બંને વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. બીજા દરોડામાં, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે. ચારણ અને ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મીરાજ સિનેમાની પાછળથી હર્ષ ઉર્ફે હર્ષુ મહેશભાઈ પંચાલ (ઉં.વ. 21) નામના યુવકને એક્ટિવા પર શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. અંગજડતી લેતાં તેના ખિસ્સામાંથી જીપલોગ બેગમાં રાખેલો 09.81 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 3,924 થાય છે. પોલીસે રૂ. 3,500 નો ટેક્નો મોબાઇલ ફોન, રોકડા રૂ. 4,120 અને રૂ. 35,000 નું એક્ટિવા મળી કુલ રૂ. 46,544 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં તેણે આ જથ્થો રઘુનાથ સોસાયટીના શુભમ ગાડે પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. Post navigation જુહાપુરામાંથી ૧.૮૪૧ કિલો ગાંજો અને ₹૨.૬૦ લાખ રોકડા સાથે શખ્સ ઝડપાયો, ₹૩.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કૃષ્ણનગરના જૈન દેરાસરમાંથી 4 લાખનું 9 કિલો ચાંદીનું ખોખું ચોરાયું, પૂજારી સામે શંકા