8 વર્ષથી નોકરી કરતા સાબરકાંઠાના પૂજારીએ નોકરી છોડ્યા બાદ ભગવાન વાસુપૂજ્ય સ્વામીનું ચાંદીનું ખોખું ગાયબ હોવાનું સામે આવ્યું

બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદ તા.22

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાસુખનગર જૈન દેરાસરમાંથી ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિનું આશરે ૯ કિલો વજનનું ચાંદીનું ખોખું ચોરી થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. દેરાસરમાં છેલ્લા ૮ વર્ષથી પૂજારી તરીકે કામ કરતા મૂળ સાબરકાંઠાના અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકી સામે ચોરીની શંકા વ્યક્ત કરીને દેરાસરના પ્રમુખે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રૂ. ૪ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, કૃષ્ણનગરમાં સિનેપ્રાઇઝ સિનેમા પાસે મંગલદીપ સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય કનુભાઈ રતિલાલ શાહ સેજપુર બોઘા જીડી હાઈસ્કૂલ પાસે ‘આભૂષણ જ્વેલર્સ’ નામે દુકાન ધરાવે છે. તેઓ છેલ્લા ૯ વર્ષથી મહાસુખનગર સ્થિત જૈન દેરાસરમાં પ્રમુખ તરીકે વહીવટી કામ અને દેખરેખની સેવા આપે છે. દેરાસરમાં પૂજા-પાઠ, ભગવાનના આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવા અને સાફ-સફાઈ માટે ટ્રસ્ટ દ્વારા ૮ વર્ષ પહેલાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ડગલા ગામના રહેવાસી અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકીને પૂજારી તરીકે નોકરી પર રાખવામાં આવ્યા હતા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જૈન સમાજના પર્યુષણ મહોત્સવ દરમિયાન ટ્રસ્ટ દ્વારા ૧૫ વર્ષ પહેલાં રૂ. ૪ લાખની કિંમતે બનાવવામાં આવેલું આશરે ૯ કિલો ચાંદીનું ખોખું ભગવાન વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિને પહેરાવેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ પ્રમુખ કનુભાઈ શાહ દેરાસરમાં ગયા ત્યારે મૂર્તિ પર ચાંદીનું ખોખું જોવા મળ્યું ન હતું. આ અંગે દેરાસરના અન્ય કારોબારી સભ્યોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘણા સમયથી ભગવાનને ચાંદીનું ખોખું પહેરાવવામાં આવતું ન હતું.બીજી તરફ, દેરાસરના પૂજારી અશ્વિનભાઈ સોલંકી ૨ નવેમ્બર ૨૦૨૬થી અચાનક નોકરી છોડીને જતા રહ્યા હતા. જેથી ૨૭ સપ્ટેમ્બરથી ૧૭ નવેમ્બર ૨૦૨૬ના સમયગાળા દરમિયાન પૂજારી અશ્વિનભાઈ સોલંકી જ આ ચાંદીનું ખોખું ચોરી કરીને લઈ ગયા હોવાની પ્રબળ શંકા ઉપજી હતી. આ અંગે કનુભાઈ શાહે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *