આશ્રયના બહાને બિકાનેર લઈ જઈ ૩થી ૯ નવેમ્બર સુધી ઘરમાં ગેરકાયદેસર ગોંધી રખાઈ

૧૦ નવેમ્બરે સ્થાનિક પોલીસની મદદથી સગીરાને મુક્ત કરાવી બિકાનેર CWC એ પરિવારનો સંપર્ક કર્યો

અમદાવાદ તા.21

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ પોલીસ સ્ટેશન હદમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાને આશ્રય આપવાના બહાને રાજસ્થાન લઈ જઈને ઘરમાં ગોંધી રાખી અનેક વખત તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર ગંભીર કિસ્સામાં રામોલ પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી રાકેશ અને તેની માતા સહિત કુલ ચાર લોકો સામે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અને ફરિયાદની વિગતો અનુસાર, રામોલ વિસ્તારમાંથી પોતાના ઘરેથી નીકળેલી ૧૫ વર્ષીય સગીરાને આશ્રય આપવાના બહાને આરોપીઓએ વિશ્વાસમાં લીધી હતી અને રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા ગામે લઈ ગયા હતા. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, ગત ૩ નવેમ્બરથી ૯ નવેમ્બર સુધી આ માસુમ સગીરાને નોખા ગામના એક ઘરમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન આરોપી રાકેશ નામના શખ્સે સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.આ ગુનાહિત કૃત્યમાં મુખ્ય આરોપી રાકેશના પરિવારના સભ્યોની પણ સીધી મદદગારી હોવાનો ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, રાકેશની માતા સહિત કુલ ત્રણ મહિલાઓની સંડોવણી અને સક્રિય મદદથી સગીરાને ઘરમાં ગોંધી રાખીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.દરમિયાન, સમગ્ર મામલાની જાણ થતાં ગત ૧૦ નવેમ્બરના રોજ સ્થાનિક પોલીસની મદદથી સગીરાને આરોપીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. ત્યારબાદ બિકાનેર બાળ કલ્યાણ સમિતિ (CWC) દ્વારા અમદાવાદ સ્થિત સગીરાના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સગીરા પરિવાર પાસે પરત ફર્યા બાદ તેણે પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી જણાવી હતી. આથી પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશને પહોંચી આરોપી રાકેશ અને ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *