ફુગ્ગાની લાલચ આપીને અપહરણ કરી આચરવામાં આવ્યું હતું જઘન્ય કૃત્ય પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ફટકાર્યો રૂા. ૪ લાખનો વળતર હુકમ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં સગીર વયના ૬ વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચરવાના ચકચારી કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે ઐતિહાસિક અને સખત ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ગૌતમ ઉર્ફે ગોપાલ જગદીશભાઈ ઠાકોરને દોષિત ઠેરવીને પોક્સો કાયદા અને બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો છે. ઉપરાંત કોર્ટે ભોગબનનારને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચુકવી આપવા આદેશ કર્યો છે. ગત ૧૬ માર્ચ ૨૦૨૫ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં ભોગ બનનાર ૬ વર્ષ ૧૧ માસનું માસૂમ બાળક પોતાના ઘરની બહાર રમતું હતું. તે દરમિયાન આરોપી ગૌતમ ઉર્ફે ગોપાલે બાળકને ફુગ્ગો અપાવવાની લાલચ આપી હતી અને તેને ફોસલાવીને પોતાના ઘરના ભાગે લઈ ગયો હતો. ત્યાં આરોપીએ બળજબરીપૂર્વક સૃષ્ટી વિરુધનું કૃત્ય આચર્યું હતું. ઘટના બાદ માસૂમ બાળક ભારે ગભરાયેલી સ્થિતિમાં રડતો-રડતો પોતાના ઘરે દોડી આવ્યો હતો અને તેની નાનીને આ અંગેની હકીકત જણાવી હતી. બાળકની તબિયત લથડતાં અને ગુપ્ત ભાગે અસહ્ય દુખાવો થતાં તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરી આરોપી સામે ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ ડી.એમ. ઠાકોરે ફરીયાદપક્ષ દ્વારા કુલ ૧૧ સાક્ષીઓની મૌખિક જુબાનીઓ અને ૨૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ (જેમાં જન્મનું પ્રમાણપત્ર, મેડિકલ રિપોર્ટ્સ, એફ.એસ.એલ. અહેવાલ અને પંચનામાનો સમાવેશ થાય છે) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાળકની ઉંમર સાબિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના જન્મ-મરણ નોંધણી વિભાગના રેકર્ડને આધારે તેની જન્મ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૧૯ હોવાનું અને બનાવ વખતે તેની ઉંમર માત્ર ૬ વર્ષની હોવાનું સ્પષ્ટપણે પુરવાર થયું હતું. સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજેબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને પાયાના પુરાવાઓ ધ્યાને લેતાં નોંધ્યું હતું કે આરોપી સામે પોક્સો કાયદા હેઠળના ગુનાઓ શંકાથી પર સાબિત થાય છે. આથી કોર્ટે આરોપી ગૌતમ ઉર્ફે ગોપાલ જગદીશભાઈ ઠાકોરને તકસીરવાન ઠેરવી 20 વર્ષ કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે. જ્યારે અદાલતે પીડિત બાળકના પુનર્વસન અને ન્યાયના હિતને ધ્યાનમાં રાખીને આરોપી દ્વારા ભરપાઈ કરવામાં આવનાર દંડની રકમ વળતર તરીકે ભોગ બનનારને ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, ‘ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૯’ અંતર્ગત અંતિમ વળતર પેટે રૂા. ૪,૦૦,૦૦૦ (ચાર લાખ રૂપિયા) અપીલનો સમય વિત્યા બાદ ચૂકવવા માટે સિટી સિવિલ કોર્ટની લીગલ સર્વિસ કમિટીને યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે. Post navigation ગરીબ કલ્યાણ પાર્ટી’ની આડમાં આચરવામાં આવેલા રૂ. ૨૦૬ કરોડના બોગસ ડોનેશન કૌભાંડમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ધરપકડ શહેરમાં નશાના કારોબાર પર પોલીસનો સપાટો: ૪ સ્થળે દરોડામાં ગાંજો, કોડીન સિરપ અને રોકડ સાથે આરોપીઓ ઝબ્બે