ક્રાઈમ બ્રાન્ચ, SOG અને એન્ટી-નાર્કોટિક્સ સેલનું સંયુક્ત ઓપરેશન ડ્રગ્સના કાળા કારોબારમાંથી બનાવેલી સ્થાવર-જંગમ મિલકતો જપ્ત કરાશે અને PIT-NDPS હેઠળ રાજ્ય બહારની જેલમાં ધકેલાશે અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, વેપાર અને હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કાયમી ધોરણે અંકુશ લાવવા તથા નશામુક્ત સમાજના નિર્માણ માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાહીબાગ હેડ ક્વાર્ટર્સ સ્થિત જે.ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે NDPS એક્ટ હેઠળ અગાઉ પકડાયેલા ૯૫૧ જેટલા આરોપીઓ, ડ્રગ્સ પેડલર્સ તેમજ શંકાસ્પદ ઇસમો અને મહિલા આરોપીઓને સવારે ૧૧:૦૦ કલાકે એકસાથે હાજર રાખી એક વિશેષ કાર્યવાહી કરાઈ હતી. આ મેગા ડ્રાઇવમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ઝોન-એલ.સી.બી., એન્ટી નાર્કોટિક્સ સેલ અને એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં તમામ ઝોનના નાયબ પોલીસ કમિશનરો અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન હાજર તમામ ઇસમોને નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને સેવનથી વ્યક્તિના જીવન, આરોગ્ય, સામાજિક પ્રતિષ્ઠા અને પરિવારના ભવિષ્ય પર પડતી વિનાશક અસરો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને યુવા પેઢી નશાની લતમાં હોમાઈ જાય ત્યારે તેના પરિણામે પરિવારની આર્થિક, સામાજિક અને માનસિક સ્થિતિ પર કેવા ગંભીર પરિણામો આવે છે તે બાબતે તેમને ચેતવવામાં આવ્યા હતા. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં આખરી ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ પણ ઈસમ નશાકારક પદાર્થોના વેચાણ, વેપાર કે હેરાફેરીમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે કોઈપણ જાતની દયા કે રહેમ રાખ્યા વિના કાયદાની કઠોરતમ કલમો હેઠળ આકરા પગલાં લેવામાં આવશે. પોલીસ તંત્રે આ આરોપીઓને ટાંકીને જણાવ્યું હતું કે તેમની તમામ ગતિવિધિઓ, નાણાકીય વ્યવહારો અને સંપર્કો પર પોલીસ અને એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓની ૨૪ કલાક સતત બાજ નજર ગોઠવાયેલી છે. કાયદા મુજબ અગાઉ ગુનો કર્યા પછી ફરીથી નશાનો કારોબાર કરનાર સામે NDPS એક્ટની કલમ ૩૧ અને ૩૧(એ) હેઠળ બમણી સજા, ભારે દંડ, તથા અત્યંત ગંભીર કિસ્સાઓમાં આજીવન કેદ કે ફાંસી સુધીની આકરી જોગવાઈઓ રહેલી છે. આવા ગુનાઓમાં જામીન મળવા પણ અશક્ય બની જશે. આ ઉપરાંત, નશાના કાળા કારોબારમાંથી ઊભી કરાયેલી આરોપીઓ તથા તેમના પરિવારજનોના નામે રહેલી તમામ ગેરકાયદેસર સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરીને સરકાર હસ્તક લેવાની તેમજ જરૂર પડ્યે PIT-NDPS એક્ટ હેઠળ અટકાયતી પગલાં ભરી રાજ્ય બહારની જેલમાં ધકેલી દેવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે. અમદાવાદ શહેર પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાધનને ડ્રગ્સના ઝેરથી બચાવીને શહેરને સંપૂર્ણ નશામુક્ત અને સુરક્ષિત બનાવવાનો છે. પોલીસે કાળો કારોબાર કાયમી ધોરણે બંધ કરી સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા આહ્વાન કર્યું હતું. જે આરોપીઓ નશાની બદીમાંથી બહાર નીકળવા માગતા હોય તેમને પુનર્વસન (Rehabilitation) માટે સમજ કરી મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ જો તેઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો કાયદાનો સશક્ત સિકંજો તેમના સમગ્ર નેટવર્કને જડમૂળથી ઉખેડી ફેંકશે તેવી સ્પષ્ટ ચીમકી અપાઈ હતી. આ તકે “SAY YES TO LIFE, SAY NO TO DRUGS” ના પ્રેરણાદાયી સૂત્ર સાથે નશામુક્ત સમાજનો દ્રઢ સંદેશ આપવામાં આવ્યો હતો. JCP એ જણાવ્યું હતું કે, એક આજે સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ સિટી પર એક ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે. અમને 5 ટેલિગ્રામ ગ્રુપ એવા મળ્યા જેમાં અલગ-અલગ ટાઈપની ડ્રગ્સના વેચાણની વાતો ચાલી રહી છે. એના એડમિનનો પણ અમે સ્ક્રીનશોટ લીધા છે, મોબાઈલ નંબર્સ પણ એમાં છે. ફક્ત ગુજરાતનું આ લોકો ઓપરેટ નથી કરતા, દેશમાં ઓપરેટ કરી રહ્યા છે. ટેલિગ્રામમાં આ લોકો કહે છે કે ભાઈ કેટલી ડ્રગ્સ જોઈએ છે, તો આ UPI પર પેમેન્ટ આપો. સાથે-સાથે 10થી 12 વેબસાઈટ્સ પણ છે જ્યાં ડાર્ક વેબથી એક્સેસ કરીને આપ ડ્રગ્સ કુરિયર કરાવી શકો છો. એમાં વધારે હાઈબ્રિડ ગાંજા છે, જે આ લોકો થાઈલેન્ડથી મંગાવી રહ્યા છે. આરોપીઓ લંગડાતા હતા દરમિયાન કેટલાક આરોપીઓ કે જે ગંભીર ગુનામાં સંડોવાયેલા છે અને રીઢા ગુનેગાર છે તેમને એક બંધ મંડપમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમયે આરોપીઓ હસતા મોઢે મંડપમાં ગયા હતા પરંતુ બહાર નીકળ્યા ત્યારે લંગડા પગે નીકળતા હતા. એટલે આ તમામ આરોપીઓને ડ્રગ્સ વેચશે તો કડક કાર્યવાહીની ચેતવણી પરોક્ષ રીતે જ આપી દેવામાં આવી. Post navigation શહેરમાં નશાના કારોબાર પર પોલીસનો સપાટો: ૪ સ્થળે દરોડામાં ગાંજો, કોડીન સિરપ અને રોકડ સાથે આરોપીઓ ઝબ્બે અન્ય યુવક સાથે પ્રેમસંબંધ અને જાણ બહાર ગર્ભપાત કરાવતા બોપલના IT એન્જિનિયર યુવકનો આપઘાત