ખાડિયા, વાસણા અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા

પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ

શહેરમાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ દરમિયાન ખાડિયા, વાસણા અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે નશીલા પદાર્થો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે હાથ ધરેલી અલગ-અલગ કાર્યવાહીમાં ગાંજો, પ્રતિબંધિત કોડીન યુક્ત કફ સિરપ, મોબાઈલ ફોન, ઓટો રીક્ષા અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને એન.ડી.પી.એસ. એક્ટ (NDPS Act) ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખાડિયામાં ભૂતની આંબલી પાસે જાહેર રોડ પરથી ૧૧.૪૮ ગ્રામ ગાંજા સાથે બે ઝડપાયા

ખાડિયા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભૂતની આંબલી પાસે આવેલ ‘એપોલો ટાયર પંચ’ નામની દુકાન આગળ જાહેર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ૧૮ વર્ષીય મોહંમદ ઈઝહાનખાન સિકંદરખાન પઠાણ અને ૫૦ વર્ષીય અશરફખાન અનવરખાન પઠાણ (બંને રહે. ગુંદીવાડ, ભૂતની આંબલી, આસ્ટોડીયા દરવાજા પાસે, અમદાવાદ) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી ૧૧.૪૮૦ ગ્રામ ગાંજો (કિંમત રૂ. ૫૩૪.૫૦), ૧૭ નાની ઝીપલોક વાળી પાઉચ, રૂ. ૨,૦૦,૦૦૦ નો સેમસંગ મોબાઈલ ફોન અને રૂ. ૩,૧૪૦ ની રોકડ રકમ મળી કુલ રૂ. ૨,૦૧,૩૫૪.૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાસણા APMC મેટ્રો સ્ટેશન નીચેથી ૯૭ ગ્રામ ગાંજા સાથે રીક્ષા ડ્રાઈવર ઝબ્બે

વાસણા પોલીસની ટીમે બાતમીના આધારે વાસણા APMC મેટ્રો સ્ટેશન નીચે દક્ષિણ દિશામાં લીફ્ટ નજીક આવેલી લોખંડની જાળીની ફેન્સીંગ બાજુમાં ફુટપાથ પરથી ઈર્શાદઅલી ઉર્ફે શાલરૂખ અસ્મતઅલી સૈયદ (ઉં.વ. ૩૭, ધંધો રીક્ષા ડ્રાઈવિંગ, રહે. ફૈઝાન રો હાઉસ, ધોબીઘાટ, ફતેવાડી, વેજલપુર) ને ઝડપી લીધો હતો. આરોપીના કબ્જામાંથી ગેરકાયદેસર પાસ-પરમિટ વગરનો ૯૭ ગ્રામ ગાંજો (કિંમત રૂ. ૪,૬૫૦), કાળા રંગની ઝબલા બેગ, રૂ. ૩૦૦ ની કિંમતનું જેકેટ અને રૂ. ૨,૬૫૦ ની રોકડ રકમ મળી કુલ રૂ. ૭,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે વાસણા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

વેજલપુર ફતેવાડી કેનાલ પાસે ૪૨૩ ગ્રામ ગાંજા સાથે મજૂરી કરતો યુવક પકડાયો

વેજલપુર પોલીસ મથકની ટીમે ફતેવાડી હાફીજી મસ્જિદથી ફતેવાડી કેનાલ તરફ જતા કાચા રસ્તા પર કાચા છાપરા પાસેથી મેહરાબખાન ઉર્ફે મહેતાબખાન એયુબખાન પઠાણ (ઉં.વ. ૨૮, ધંધો મજુરી, રહે. ગુલબશનનગર, ફતેવાડી કેનાલ, અમદાવાદ) ને પકડી પાડ્યો હતો. પોલીસની જડતી તપાસ દરમિયાન આરોપી પાસેની પ્લાસ્ટિકની કોથળીમાંથી રૂ. ૧૨,૩૫૦ ની કિંમતનો ૪૨૩ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જથ્થો આપનાર અજાણ્યા ઈસમ સહિત આરોપી સામે વેજલપુર પોલીસે કાયદેસરનો ગુનો નોંધ્યો છે.

સોનલ સિનેમા પાસે રિક્ષામાંથી ૬૯ બોટલ કોડીન સિરપ અને રોકડ જપ્ત

વેજલપુર પોલીસે સોનલ સિનેમા ત્રણ રસ્તા પાસે અહેસાન પાર્ક સોસાયટીના જાહેર રસ્તા પરથી સીએનજી ઓટો રીક્ષા (GJ-01-TE-8958) રોકી તપાસ કરી હતી. રીક્ષામાંથી ડ્રાઈવર ઈમરાન નઝીર અહેમદ મંસુરી (ઉં.વ. ૪૮, રહે. અમ્રીન દુપ્લેક્ષ, ફતેવાડી, વેજલપુર) ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી પાસ-પરમિટ વગરની ૬૯ બોટલ (૬,૯૦૦ મિ.લિ.) પ્રતિબંધિત કોડીન યુક્ત કફ સિરપ (કિંમત રૂ. ૮૧,૧૭૮.૫૦), રૂ. ૧૦,૦૦૦ નો રિયલમી મોબાઈલ, રૂ. ૧૯,૧૬૦ ની રોકડ અને રૂ. ૩૦,૦૦૦ ની કિંમતની ઓટો રિક્ષા મળી કુલ રૂ. ૧,૬૨,૩૩૮.૫૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પ્રાથમિક તપાસમાં આ જથ્થો જુહાપુરાના અઝીમ મકરાણી પાસેથી મેળવ્યો હોવાનું ખુલતા પોલીસે તમામ સામે એનડીપીએસ એક્ટ તથા બીએનએસ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *