અમદાવાદ તા.15 અમદાવાદમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રવિવારે, 15 નવેમ્બરની વહેલી સવારે NCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં આવેલા મોહમ્મદી પાર્ક નજીકના લેબન પાર્કમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન મકાનના ભોંયરામાં ગુપ્ત રીતે ચાલતી મેફેડ્રોન એટલે કે એમડી (MD) ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી કરોડો રૂપિયાની કિંમતનો જથ્થાબંધ કાચો માલ, જોખમી કેમિકલ્સ અને સિન્થેટિક ડ્રગ્સ બનાવવાનાં આધુનિક સાધનો કબજે કરવામાં આવ્યાં છે. NCBના અધિકારીઓને સરખેજના રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનના ભોંયરામાં ગુપ્ત રીતે સિન્થેટિક ડ્રગ્સ બનાવવાનું કારખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તંત્રએ રવિવારે વહેલી સવારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. જ્યારે અધિકારીઓ મકાનના ભોંયરામાં પ્રવેશ્યા ત્યારે અંદરનો નજારો જોઈને ચોંકી ઊઠ્યા હતા, કારણ કે આરોપીએ રહેણાંક મકાનની આડમાં ડ્રગ્સ ઉત્પાદનનું આખું સેટ-અપ ઊભું કર્યું હતું. શાંત રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે જીવલેણ ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની ઘટના સામે આવતાં સ્થાનિક સુરક્ષા અને તંત્રની કામગીરી સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.આ મોટી કાર્યવાહી દરમિયાન NCB દ્વારા મકાન માલિકની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે અટકાયત કરાયેલો મકાન માલિક YMCAથી SP રિંગ રોડ તરફ જતા વિસ્તારમાં એક કોફી શોપ પણ ચલાવે છે. આ ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે NCBની એક અલગ ટીમે બોપલ સ્થિત આ કોફી શોપ પર પણ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસ એજન્સીના અધિકારીઓ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે કે આ કોફી શોપનો ઉપયોગ ડ્રગ્સના વેચાણ કે સપ્લાય માટે થતો હતો કે કેમ.તપાસ એજન્સી હવે આ ગંભીર મામલે વિવિધ દિશાઓમાં ઊંડાણપૂર્વક ક્ષેત્રીય સઘન તપાસ ચલાવી રહી છે. આ ગેરકાયદેસર ફેક્ટરી કેટલા સમયથી ધમધમતી હતી, સિન્થેટિક ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ તથા જોખમી કેમિકલ્સ ક્યાંથી મંગાવવામાં આવતા હતા અને તૈયાર થયેલો જથ્થો કયા શહેરોમાં કોને સપ્લાય કરવામાં આવતો હતો તેની ઝીણવટભરી વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ સિવાય, આ સમગ્ર રેકેટમાં અન્ય કયા ડ્રગ પેડલરો સામેલ છે તેમજ આ સ્થળનો ઉપયોગ માત્ર ઉત્પાદન પૂરતો સીમિત હતો કે સ્ટોરેજ અને ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટ તરીકે પણ થતો હતો તે અંગે પણ ખુલાસો થશે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મુદ્દસર પઠાણ રાજસ્થાન જઈને ડ્રગ્સ બનાવવાની ટ્રેનિંગ લઈને આવ્યો હતો. તે છેલ્લા એક વર્ષથી ગૂગલના માધ્યમથી માહિતી મેળવીને એમ.ડી. (MD) ડ્રગ્સ બનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યો હતો. આ આરોપીનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ રહ્યો છે. તેની સામે સરખેજ પોલીસ મથકમાં મારામારી કરવાના અને રિક્ષા સળગાવી દેવા જેવા ગુનાઓ અગાઉથી જ દાખલ થઈ ચૂક્યા છે. ડાયરેક્ટરના ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ મોટી કાર્યવાહી ઉલ્લેખનીય છે કે, ગુજરાત NCBના ઝોનલ ડાયરેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ અમદાવાદમાં આ પ્રથમ સૌથી મોટી કાર્યવાહી છે. હાલ જપ્ત કરાયેલા કેમિકલ્સ અને કાચા માલના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અટકાયત કરાયેલા આરોપીની પૂછપરછમાં અન્ય મોટા માથાઓના નામ ખૂલે અને કરોડોના ડ્રગ્સ રેકેટનો વધુ પર્દાફાશ થાય તેવી પૂરી શક્યતા છે. અંકલેશ્વર, અમદાવાદ અને રતલામથી કાચો માલ લાવ્યો હતો ઝોન 7ના DCPએ આપેલી માહિતી મુજબ, NCB અને સરખેજ પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત લબ્બેક પાર્ક ખાતે આવેલા એક મકાનના ભોંયરામાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. આ ગેરકાયદે લેબ મુદ્દસર પઠાણ નામનો આરોપી ચલાવતો હતો. તે અંકલેશ્વર, અમદાવાદ અને રતલામથી ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરીયલ (કાચો માલ) લાવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ઘરની અંદરથી બ્રોમિન સહિત 20 જેટલા વિવિધ કેમિકલનો જથ્થો મળી આવ્યો છે, જેને હાલ જપ્ત કરવામાં આવ્યો છે. Post navigation દિવાળી 2026: આજે દેશભરમાં પ્રકાશના પર્વની ઉજવણી, જાણો માતા લક્ષ્મીની પૂજાનું મહત્વ અને દિવાળીની પરંપરાઓ વટવા-ઇસનપુર રોડ પર પૂરઝડપે આવેલી કારે રિક્ષાને ટક્કર મારી: ચાલક સહિત ૩ ગંભીર રીતે ઘવાયા, કારચાલક ફરાર