ગુજરાત ATSની ટીમે પંચરત્ન ફ્લોરા ફ્લેટ પાછળ આવેલા પાર્કિંગમાં દરોડો પાડી ટેન્કર અને આઇશર ટ્રક જપ્ત કર્યા ખેડાના સારસા ખાતે આવેલા ONGCના કૂવા નં. 26 પરથી ફાઇટર પંપની મદદથી ઓઇલની ચોરી કરી હતી અમદાવાદ ગુજરાત ATSની ટીમે ચોક્કસ બાતમીના આધારે વટવા-વિંઝોલ રીંગરોડ પર પંચરત્ન ફ્લોરા ફ્લેટની પાછળ આવેલા હેપ્પી ભાઈ ભરવાડના પાર્કિંગમાં દરોડો પાડીને ONGCના કૂવામાંથી ચોરી કરાયેલા આશરે 8000 લિટર ક્રૂડ ઓઇલના જથ્થા સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા છે. ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઇલ કૂવા નં. 26 પરથી કેશીંગ વાલ્વ મારફતે ફાઇટર પંપની મદદથી આ ક્રૂડ ઓઇલની ચોરી કરીને વેચાણ અર્થે અમદાવાદ લાવવામાં આવ્યું હતું.ગુજરાત એટીએસના DYSP એસ.એલ. ચૌધરીને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારના ગફારભાઈ રંગરેજ, મોહસીન રંગરેજ, ઉસ્માનભાઈ અને ONGCમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો નસરુદ્દીન મલેક ઉર્ફે વીકી નામના શખ્સો ONGCની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરીને વટવા-વિંઝોલ રીંગરોડ પર પંચરત્ન ફ્લોરા ફ્લેટની પાછળ આવેલા હેપ્પી ભાઈ ભરવાડના પાર્કિંગમાં ઓઇલ ખાલી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પાંચ પીએસઆઇ અને કોન્સ્ટેબલની ટીમ બનાવીને સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન ONGC લખેલા ટેન્કરમાંથી આઇશર ટ્રકમાં રાખેલા ટાંકામાં પાઇપ મારફતે ક્રૂડ ઓઇલ ખાલી કરવામાં આવી રહ્યું હતું. ટીમે સ્થળ પરથી ગફાર અને મોહસીન સહિત કુલ છ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ટેન્કરમાંથી 4500 લિટર અને આઇશર ટ્રકમાંથી 3500 લિટર મળી કુલ 8000 લિટર ક્રૂડ ઓઇલ જપ્ત કર્યું છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેમણે ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઇલ કૂવા નં. 26 પરથી કેશીંગ વાલ્વ મારફતે ફાઇટર પંપ લગાવીને આ ઓઇલ ચોર્યું હતું. ઝડપાયેલા આરોપીઓની યાદી ગફ્ફાર અબ્દુલભાઈ રંગરેજ (ઉ.વ. 61): ધંધો- છુટક વેપાર, રહે. મકાન નં. 39, 40, હરીયાળીનગર, ખતીજા મસ્જીદ પાસે, ફેસલ પાર્ક, દાણીલીમડા, અમદાવાદ. મોહસીન રફીકભાઈ રંગરેજ (ઉ.વ. 35): રહે. બી/7, કલાસીક સન્ની કોમ્પલેક્ષ, શાહઆલમ ટોલનાકા પાસે, શાહઆલમ, દાણીલીમડા, અમદાવાદ. મોહમદ જાવેદ મોહમદ સાબીર રંગરેજ (ઉ.વ. 44): રહે. ઇન્દિરાનગર, સહેનાઝ આપાના મકાનમાં, બોમ્બે હોટલની સામે, ચંડોળા તળાવ, દાણીલીમડા, અમદાવાદ. ભીખાભાઈ કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. 46): રહે. વચલો વાસ, ગામ- મહીજ, તા.જી. ખેડા. નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉ.વ. 42): રહે. મકાન નં. 10, અલફારૂક સોસાયટી, સુકુન સોસાયટીની અંદર, સરખેજ પોલીસ સ્ટેશનની સામે, સરખેજ, અમદાવાદ. રાયસંગભાઈ બચુભાઈ ઠાકોર (ઉ.વ. 40): રહે. મહાદેવ ફળીયુ, ગામ- મહીજ, તા.જી. ખેડા. Post navigation અન્ય યુવક સાથે પ્રેમસંબંધ અને જાણ બહાર ગર્ભપાત કરાવતા બોપલના IT એન્જિનિયર યુવકનો આપઘાત નિકોલમાં RBL બેંકના ATMમાં બિહારના શખ્સે પથ્થરથી તોડફોડ કરી