સ્થાનિક લોકોએ આરોપીને ઝડપીને નિકોલ પોલીસને સોંપ્યો, પ્રાથમિક તપાસમાં યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું

અમદાવાદ

નિકોલ વિસ્તારમાં અમરજવાન સર્કલ પાસે આવેલા RBL બેંકના ATM સેન્ટરમાં ગુરુવારે સવારે બિહારના એક યુવકે પથ્થર મારીને તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકોએ 21 વર્ષીય આરોપી શ્રવણકુમાર તેતરુ રાયને ઝડપીને નિકોલ પોલીસને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે, જે અંગે બેંકના બ્રાંચ ઓપરેશન મેનેજરે પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવા નરોડામાં રહેતા 34 વર્ષીય કપીલભાઇ દાનાભાઇ ચાવડા RBL બેંક લિમીટેડમાં બ્રાંચ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે સવારે તેઓ ઘરે હતા ત્યારે બેંકના સર્વેલન્સ વિભાગમાંથી તેમને ફોન આવ્યો હતો. સર્વેલન્સ વિભાગે જણાવ્યું હતું કે, નિકોલ વિસ્તારમાં શ્રીધર ફ્લોરાની બાજુમાં અમરજવાન સર્કલ પાસે આવેલા RBL બેંકના ATM મશીન અને તેની બહાર લગાવેલા કાચના કેબીનમાં કોઈ અજાણ્યા ઇસમે તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું છે.આ જાણ થતાં જ કપીલભાઇ તાત્કાલિક બેંક પર પહોંચ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ શખ્સે ATM મશીનની ડિસ્પ્લે તેમજ બહારના કાચના કેબીનને તોડી નાખ્યા હતા. આ દરમિયાન આસપાસના સ્થાનિક લોકોએ તોડફોડ કરનાર શખ્સને પકડી પાડ્યો હતો અને તેને નિકોલ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેનું નામ 21 વર્ષીય શ્રવણકુમાર તેતરુ રાય હોવાનું અને તે મૂળ બિહારનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. હાલમાં તે નિકોલ વિસ્તારમાં નવી બનતી કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. આ મામલે બ્રાંચ ઓપરેશન મેનેજર કપીલભાઇ ચાવડાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *