અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુજરાતના DGP કાર્યાલય, કલેક્ટર કચેરી, મંદિર સહિત રાજ્યની વિવિધ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઇલ મળ્યાની વિગતો સામે આવી છે. ઈમેઇલમાં ‘2008ને ભૂલશો નહીં’ અને ‘ભારત સરકાર માટે મોટું સરપ્રાઇઝ’ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.DGP કાર્યાલયને મળ્યો ધમકીભર્યો ઈમેઇલમળતી વિગતો અનુસાર, 3 નવેમ્બરના રોજ ગુજરાતના DGP કાર્યાલયને એક ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. ઈમેઇલમાં ગાંધીનગર સ્થિત DGP કાર્યાલય, કલેક્ટર કચેરી અને એક મંદિરને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઈમેઇલમાં પાકિસ્તાન અને ખાલિસ્તાનના સમર્થનમાં ઉશ્કેરણીજનક નારા તેમજ અન્ય વાંધાજનક સંદેશાઓનો પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. સાબરમતી સહિત રાજ્યની જેલોમાં તપાસધમકીભર્યો ઈમેઇલ મળ્યા બાદ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની અન્ય જેલોમાં સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. જેલ પરિસરમાં ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ છે કે કેમ તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.વડોદરા મધ્યસ્થ જેલને પણ ધમકીવડોદરા મધ્યસ્થ જેલને પણ ધમકી મળ્યાની વિગતો સામે આવી છે. આ મામલે પોલીસની ટીમ તપાસ માટે જેલ ખાતે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે જેલ પરિસર અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.અગાઉ શાળાઓ અને કાર્યક્રમોને પણ મળી હતી ધમકીનોંધનીય છે કે અગાઉ અમદાવાદની કેટલીક શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમાં સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઇટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલય સહિત આઠ શાળાઓનો સમાવેશ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અમદાવાદમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને પણ ધમકી મળ્યાની વિગતો સામે આવી હતી.સુરક્ષા એજન્સીઓ સતર્કવારંવાર મળતી આવી ધમકીઓને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જોકે, ધમકીભર્યા ઈમેઇલ પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે તે અંગે સત્તાવાર તપાસના પરિણામની રાહ જોવાઈ રહી છે. હાલ કોઈ ધમકી સાચી હોવાનું કે કોઈ વિસ્ફોટક વસ્તુ મળી હોવાનું પુષ્ટિ થયેલું નથી. Post navigation અમદાવાદના થલતેજમાં કોર્પોરેટ પાર્કની ઓફિસમાં ભીષણ આગ, ધુમાડાથી બચવા બે કર્મચારીઓએ લગાવી છલાંગ