ગેટ નં. 1, 11 અને બર્ગર સ્ટોલ પાસે ભીડનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા,સેમસંગ અને આઈફોન જેવા પ્રીમિયમ ફોન ગાયબ

પોલીસે સ્ટેડિયમ તથા ગેટ પરના સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તસ્કરોનું સગડ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે

અમદાવાદ તા.22

અમદાવાદના મોટેરા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા મ્યુઝિક સ્ટાર દિલજીત દોશાંજના ‘ઈન્ડિયા ટુર’ કોન્સર્ટ દરમિયાન તસ્કરોએ ભીડનો ભરપૂર લાભ ઉઠાવીને કિંમતી મોબાઈલ ફોનની ચોરીનો આતંક મચાવ્યો છે. ગત 21 નવેમ્બર 2026ના રોજ રાત્રિના સાડા દસથી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન સ્ટેડિયમના અલગ-અલગ ગેટ અને સ્ટોલ પાસેથી દર્શકોના કુલ ₹5,45,000 ની કિંમતના 6 મોંઘાદાટ મોબાઈલ ફોન ચોરાયા હોવાની ફરિયાદો મોટેરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, મોટેરા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ જોવા આવેલા દર્શકો જ્યારે સ્ટેડિયમમાં પ્રવેશ કરી રહ્યા હતા અથવા બહાર નીકળી રહ્યા હતા ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ ખિસ્સામાંથી ફોન સેરવી લીધા હતા. ચોરી થયેલા ફોનમાં સૌથી મોંઘો ₹1,90,000 ની કિંમતનો સેમસંગ ફોલ્ડ 8 અલ્ટ્રા પર્પલ કલરનો ફોન બર્ગર સ્ટોલ પાસેથી દર્શક દીપ નરેશભાઈ ઠક્કરનો ચોરાયો હતો. આ ઉપરાંત, ગેટ નંબર 01 પાસેથી દર્શક જૈનનો ₹1,25,000 ની કિંમતનો ઓરેન્જ કલરનો એપલ આઈફોન 17 પ્રો મેક્સ ચોરાયો હતો. જ્યારે જીગર ચંદુભાઈ લુહારનો ₹1,25,000 ની કિંમતનો બ્લેક સેમસંગ S25 અલ્ટ્રા ફોન સ્ટેડિયમ ગ્રાઉન્ડમાંથી ગાયબ થયો હતો.આ સિવાય, ગેટ નંબર 11 પાસેથી કેવિન હેમંતકુમાર મોદીનો ₹25,000 નો સેમસંગ S23 લીલા કલરનો ફોન ચોરાયો હતો. તેમજ ગેટ નંબર 01 પાસેથી મધુર સંજયભાઈ ભંડારીનો ₹30,000 ની કિંમતનો એપલ આઈફોન 14 બ્લેક કલરનો ફોન અને દર્શક છિબ્બરનો ₹50,000 ની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો હતો.એક જ રાતમાં 6 જેટલા કિંમતી મોબાઈલ ચોરાતા મોટેરા પોલીસ મથકમાં 22 નવેમ્બરના રોજ બી.એન.એસ.એસ. (B.N.S.S.) ની કલમ 173 અને બી.એન.એસ. કલમ 303(2) હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે સ્ટેડિયમ તથા ગેટ પરના સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તસ્કરોનું સગડ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *