હોર્ન મારવા અને ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે ઠપકો આપતા મામલો બિચક્યો વસ્ત્રાલ પોલીસે ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદ તા.22 અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વેરવિખેર કરતી રોડ રેજની એક અત્યંત સનસનાટીભરી અને રક્તરંજિત ઘટના સામે આવી છે. મુંબઈથી પોતાના સંબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે અમદાવાદ આવેલા એક શ્રદ્ધાળુ અને સભ્ય પરિવારના સભ્યો પર ચાર જેટલા અસામાજિક તત્વોએ લોખંડની પાઈપ અને ધારદાર ચપ્પુ વડે પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો. આ લોહિયાળ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકોને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે વસ્ત્રાલ પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની વિગતો મુજબ, મુંબઈમાં લીગલ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત યુવક પોતાના પરિવાર સાથે વસ્ત્રાલ ખાતે આયોજિત લગ્નપ્રસંગમાં ભાગ લેવા આવ્યા હતા. રાત્રિના સમયે તેમના બનેવી સોસાયટીના કામકાજ અર્થે એક્ટિવા લઈને નીકળ્યા હતા. આ દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કામધેનુ મેદાન સામે સોસાયટીના ગેટ પાસે જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક બાઈક પર સવાર થઈને આવેલા ચાર અજાણ્યા શખ્સો વારંવાર જોરજોરથી હોર્ન વગાડી રહ્યા હતા અને અસભ્ય ગાળો બોલી રહ્યા હતા. જેથી યુવકના બનેવીએ પોતાનું એક્ટિવા બાજુ પર ઊભું રાખીને આ શખ્સોને જાહેર રોડ પર ગાળો બોલવાની ના પાડી હતી.સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ ગયેલા બાઈકસવાર શખ્સોએ તરત જ યુવકના બનેવી સાથે માથાકૂટ અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતાં ત્રણ શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જ્યારે એક શખ્સ સ્થળ પર જ ઊભો રહ્યો હતો. ઘટના અંગે બનેવીએ ફોન કરીને જાણ કરતાં મુંબઈથી આવેલા યુવક અને તેમના ભાઈઓ તાત્કાલિક સોસાયટીના પાછળના ગેટ પાસે દોડી આવ્યા હતા અને સ્થિતિ સમજાવવા માટે વાતચીત કરી રહ્યા હતા.તે જ સમયે, અગાઉ ભાગી ગયેલા ત્રણેય શખ્સો હાથમાં લોખંડની પાઈપ તથા ધારદાર ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે બાઈક પર પરત આવ્યા હતા. યુવકના બનેવી તેમને સમજાવવા વચ્ચે પડતાં જ એક હુમલાખોરે તેમના પર લોખંડની પાઈપ વડે હુમલો કરતાં તેઓ નીચે ઢળી પડ્યા હતા. બનેવીને બચાવવા વચ્ચે પડેલા લીગલ કન્સલ્ટન્ટ યુવક અને તેમના ભાઈઓ પર પણ આરોપીઓએ પાઈપ અને ચપ્પુથી હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ “આ લોકોને પતાવી દેવાના છે” તેવી બૂમો પાડીને યુવક પર ચપ્પુના ઘા ઝીંકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસના રહીશો એકઠા થઈ જતાં આરોપીઓ “જો પોલીસ ફરિયાદ કરશો તો જીવતા નહીં મૂકીએ” તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. વસ્ત્રાલ પોલીસે મુખ્ય આરોપી સૌરભ, રાજુ અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. Post navigation નવાવાડજમાં અમદાવાદમાં ગ્રાહકોના મોંઘા મોબાઈલ કાઢી બોક્સમાં પાકીટ-પાવરબેંક મૂકનારો ડિલિવરી બોય ₹6.68 લાખનો માલ પચાવી ફરાર દિલજીત દોશાંજના કોન્સર્ટમાં દર્શકોના ₹5.45 લાખના 6 મોંઘાદાટ મોબાઈલ ચોરાયા: મોટેરા પોલીસ મથકે ફરિયાદોનો ઢગલો