નોકરીએ લાગ્યાના એક જ અઠવાડિયામાં રાજસ્થાનના શખ્સે કંપની સાથે વિશ્વાસઘાત કરી ફરાર

બેંગ્લોર હેડક્વાર્ટરથી મંજૂરી મળ્યા બાદ આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે

અમદાવાદ તા.22

નવાવાડજ વિસ્તારમાં આવેલી એક લોજિસ્ટિક કંપનીના ડિલિવરી બોયે કંપની સાથે ભારે વિશ્વાસઘાત કરી કુલ રૂ. 6.68 લાખની કિંમતના મોંઘા મોબાઈલ ફોન અને અન્ય પાર્સલની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માસ્ટર માઇન્ડ ડિલિવરી બોય ગૂગલ પિક્સેલ સહિતના મોંઘા ફોનના બોક્સમાંથી મોબાઈલ કાઢી લઈ તેની જગ્યાએ પાકીટ, પાવરબેંક, ફેસવોશ ક્રીમ અને કાગળના પૂંઠાનો રોલ મૂકી દઈ કંપનીને અંધારામાં રાખતો હતો. કંપનીની ખાતાકીય તપાસ અને બેંગ્લોર હેડક્વાર્ટરથી મંજૂરી મળ્યા બાદ આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જુહાપુરામાં રહેતા અને નવાવાડજ નિર્ણયનગર ખાતે આસ્થા ઓપલ બિલ્ડિંગમાં આવેલી ‘ઈન્સ્ટા કાર્ટ સર્વિસીસ પ્રા. લિ.’માં એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા અતિક અહેમદ સૈયદે (ઉં.વ. 54) વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કંપનીએ ગત 20 ઓગસ્ટ, 2026ના રોજ રાજસ્થાનના ઝાલોરના મુલી ગામના રહેવાસી હનુમાનરામ મેવારામને ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખ્યો હતો.નોકરી પર જોડાયાના આઠ જ દિવસમાં ગત 27 ઓગસ્ટ, 2026ના રોજ આરોપી હનુમાનરામ સ્ટોર પરથી અલગ-અલગ પાર્સલ ડિલિવરી કરવા નીકળ્યો હતો. જેમાંથી 4 મોંઘા મોબાઈલ ફોનના પાર્સલ તેણે ગ્રાહકોને પહોંચાડવાને બદલે અનડિલિવર્ડ બતાવી પરત જમા કરાવ્યા હતા. પાછળથી બોક્સ તપાસતા તેમાં છેડછાડ જણાઈ હતી. આરોપીએ રૂ. 3.90 લાખની કિંમતના ચાર મોબાઈલ (Google Pixel 11 Pro, Google Pixel 10 Pro XL, vivo X300 FE અને Google Pixel 8a) બોક્સમાંથી કાઢી લીધા હતા અને તેની જગ્યાએ પાકીટ, પાવરબેંક, ક્રીમ તથા પૂંઠાનો રોલ મૂકી દીધો હતો.ત્યારબાદ ગત 28 ઓગસ્ટ, 2026ના રોજ હનુમાનરામ ફરીથી સ્ટોર પર આવ્યો હતો અને બપોરે એક વાગ્યાના સુમારે 25 પાર્સલ ડિલિવરી માટે લઈને નીકળ્યો હતો. જોકે, સાંજ સુધી તે હિસાબ આપવા પરત ફર્યો ન હતો અને તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. શંકા જતા સ્ટોર ઈન્ચાર્જ બ્રજમોહનસિંહ તોમરે સ્ટોરના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં આરોપી સવારે 11:30 વાગ્યાની આસપાસ કોઈની નજર ન પડે તે રીતે અન્ય 8 પાર્સલ (જેમાં OPPO, MOTOROLA, vivo, realmeના 6 મોબાઈલ, ઘડિયાળ અને બૂટ કિંમત રૂ. 2.65 લાખ) ચોરી પોતાની બેગમાં મૂકી જતો દેખાયો હતો. આમ, આરોપીએ કુલ રૂ. 6.68 લાખનો મુદ્દામાલ પચાવી પાડ્યો હતો. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *