ઊંઝાના વેપારી સાથે રૂ. 40 લાખની ઠગાઈ કર્યા બાદ ગેંગ ફરી અમદાવાદમાં સમાન મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવા આવી હતી

બીજું પેમેન્ટ આપવા આવેલા આરોપીઓને પારસનગર પેટ્રોલ પંપ પાસે પોલીસે છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા

અમદાવાદ

ઓનલાઇન આંગડિયા પેઢીના નામે ભારતીય ચલણની અસલ નોટોને બદલે ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા’ લખેલી નકલી નોટો પધરાવી ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગનો ઘાટલોડિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘાટલોડિયા વિસ્તારમાં જાહેર રોડ પર ડિકોય ઓપરેશન ગોઠવીને રૂ. 500 ના દરની 1,666 નકલી નોટો (કુલ 17 બંડલ) સાથે નવી દિલ્હીના રાહુલસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના માલચંદ શર્માની ધરપકડ કરી છે. આ આરોપીઓ અગાઉ ઊંઝાના વેપારી સાથે રૂ. 40 લાખની નકલી નોટો પધરાવી ઠગાઈ આચરી ચૂક્યા હતા.

બનાવની વિગત મુજબ, અડાલજ ખાતે રહેતા અને સોલા સાયન્સ સિટી રોડ પર ઘડિયાળનો વ્યવસાય કરતા રિકેન નરેન્દ્રકુમાર પટેલે (ઉં.વ. 36) ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના મામા રોહિતકુમાર બાબુલાલ પટેલ ઊંઝા ખરીદ વેચાણ સંઘમાં ‘બી.બી. ટ્રેડર્સ’ નામે જીરું અને વરિયાળીનો વેપાર કરે છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતેની પેઢીના વેપારી હિતેશ રૂપચંદ કેશવાણી પાસેથી તેમણે રૂ. 40 લાખ લેવાના નીકળતા હતા. નાગપુરના વેપારીએ 16 નવેમ્બર, 2026ના રોજ એક ઓનલાઇન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. શરત મુજબ 17 નવેમ્બરે ઊંઝામાં પેમેન્ટ મળી ગયા બાદ નાગપુર ઓફિસે આંગડિયાના માણસને રૂ. 40 લાખ રોકડા ચૂકવવાનું નક્કી થયું હતું.17 નવેમ્બરના રોજ બપોરે દોઢ વાગ્યે ઊંઝા શાક માર્કેટ નજીક મિલન થિયેટર પાસે બે શખ્સો થેલામાં બેન્કની પટ્ટીઓ લગાવેલા રૂ. 5-5 લાખના 8 બંડલ આપી ગયા હતા. ઊંઝામાં બંડલ મળ્યાનો સંદેશો મળતા જ નાગપુર ખાતે ₹40 લાખ રોકડા ચૂકવી દેવાયા હતા. પરંતુ ઓફિસે જઈને થેલો તપાસતા તમામ બંડલોમાં અસલ ચલણી નોટોના બદલે ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા’ લખેલી નકલી નોટો નીકળી હતી.આ મોટો ફ્રોડ થતાં જ આરોપીઓને ઝડપી પાડવા ફરિયાદી અને પોલીસે ત્વરિત વ્યુહરચના બનાવી હતી. નાગપુરની પેઢી મારફતે ફરીથી તે જ ઓનલાઇન આંગડિયા પેઢીનો સંપર્ક કરી અમદાવાદ ખાતે ફરિયાદીના પિતા નરેન્દ્રકુમાર પટેલને પેમેન્ટ પહોંચાડવાનું નક્કી કરાવવામાં આવ્યું હતું. 19 નવેમ્બર, 2026ના રોજ બપોરે આરોપીઓએ નરેન્દ્રભાઈના મોબાઇલ પર વોટ્સએપ કોલ કરીને પેમેન્ટ લઈને આવ્યા હોવાની જાણ કરી હતી.રિકેન પટેલે તુરંત ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પારસનગર પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા જાહેર રોડ પર કડક છટકું ગોઠવ્યું હતું. આરોપીઓ જેવા થેલામાંથી નકલી નોટોના બંડલ કાઢીને બતાવી રહ્યા હતા, તે જ ક્ષણે પોલીસે ચારેય તરફથી કોર્ડન કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. ઘાટલોડિયા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી નકલી નોટોના આંતરરાજ્ય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ:

1. રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર (ઉં.વ. 23, રહે. નવી દિલ્હી)

2.માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા (ઉં.વ. 30, રહે. નોખા, જિ. બિકાનેર, રાજસ્થાન)

વોન્ટેડ આરોપીઓ:

ગજાનંદ પ્રમેશ્વરલાલ શર્મા (રહે. નોઈડા, ઉત્તર પ્રદેશ – માલચંદનો ભાઈ)

4. ધનરાજ

5. વરુણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *