દલાલોનું દેવું ચૂકવવા વેપારીએ પોતાની રૂ. 9 કરોડની જમીન આપી મિલકતો છોડાવી આપી હતી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બે સામે સામે ગુનો દાખલ; ત્રણ ચેક પણ બાઉન્સ થયા અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય વેપારી જતીનભાઈ જાની સાથે ગીરવે પડેલી મિલકત છોડાવવાના અને જમીન દલાલીમાં મોટો નફો કરાવવાના બહાને રૂ. ૪.૫૦ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઓફિસ ધરાવતા બે જમીન દલાલો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, બોડકદેવ ખાતે રહેતા જતીનભાઈ જાનીનો વર્ષ ૨૦૧૬માં સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઓફિસ ધરાવતા જમીન દલાલ રાજેશ રાવલ અને તેમના ભાગીદાર સીરાજ મોદન સાથે પરિચય થયો હતો. બંને દલાલોએ વેપારીનો વિશ્વાસ કેળવીને જણાવ્યું હતું કે વિજય ચાર રસ્તા ખાતેનું તેમનું મકાન તથા ધંધુકાના ફેદરા ખાતે આવેલી જમીન ધર્મેશભાઈ નામના શખ્સ પાસે ગીરવે મૂકેલી છે. આ મિલકતો છોડાવવા માટે તેમણે રૂ. ૪.૫૦ કરોડની નાણાકીય મદદની માગણી કરી હતી. આરોપીઓએ વેપારીને જમીન દલાલીના ધંધામાં મોટો નફો કરાવવાની લાલચ આપી હતી અને ખાતરી આપી હતી કે વેપારીની દીકરી ૧૮ વર્ષની થશે ત્યારે રૂ. ૪.૫૦ કરોડની પૂરી રકમ પરત આપી દેવામાં આવશે.દલાલોની વાતોમાં આવીને જતીનભાઈએ પોતાના મિત્ર ધર્મેશભાઈને રકનપુર-ભાડજ ખાતે આવેલી પોતાની રૂ. ૯ કરોડની કિંમતની ૩,૦૦૦ વાર જમીન આપી દીધી હતી. આ જમીનના બદલામાં આરોપીઓની ગીરવે પડેલી મિલકતો મુક્ત કરાવવામાં આવી હતી. જોકે, વર્ષ ૨૦૨૧ સુધી જમીન દલાલીના ધંધામાં કોઈ નફો ન મળતાં વેપારીએ પોતાના રૂ. ૪.૫૦ કરોડ પરત માગવાનું શરૂ કર્યું હતું.લાંબા સમય સુધી ઉઘરાણી કર્યા બાદ, ડિસેમ્બર ૨૦૨૪માં આરોપીઓએ વેપારીને રૂ. ૧ કરોડ અને રૂ. ૧.૭૫ કરોડના બે ચેક સહિત કુલ ત્રણ ચેક આપ્યા હતા. પરંતુ બેંકમાં જમા કરાવતાં આ ત્રણેય ચેક બાઉન્સ થયા હતા. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સ્પષ્ટ થતાં જતીનભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે બંને દલાલો રાજેશ રાવલ અને સીરાજ મોદન સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. Post navigation સાસુને પ્રતિબંધિત ગોળીઓ આપી પુત્રવધૂએ રૂ. 1.84 કરોડ ચાઉં કર્યા, પાલડીમાં ફરિયાદ નાના ચિલોડામાં વાસ્તુ પ્રસંગમાં ચરણામૃતને બદલે દારૂ-બીયરની ‘છાલકો’ ઉડી : પોલીસ ફરિયાદ નોંધાઈ