ઓરિસ્સાથી ગાંજો મંગાવી કડી GIDC અને બુઢાસણ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા હોવાની કબૂલાત; કુલ રૂ. 7.96 લાખનો મુદ્દામાલ જપ્ત

ઓરિસ્સાના મુખ્ય સપ્લાયર ગણેશ સહિત ત્રણ શખ્સો વોન્ટેડ; પેમેન્ટ માટે રૂ. 75 હજાર ઓનલાઈન અને રૂ. 1 લાખ રોકડા ચૂકવ્યા હતા

અમદાવાદ

અસારવા રેલ્વે સ્ટેશનથી આગળ આવેલી અલ્કા બેકરી પાસે શહેરકોટડા પોલીસની ટીમે દરોડો પાડીને ઓટો રિક્ષામાંથી રૂ. ૬.૮૧ લાખની કિંમતના ૧૩ કિલો ૬૨૨ ગ્રામ ગાંજાના જથ્થા સાથે કડીના ત્રણ શખસોને ઝડપી પાડ્યા છે.

શહેરકોટડા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કડીનો મુનાફખાન ઉર્ફે ભાયો તેના સાગરિતો સાથે ઓટો રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને અસારવા રેલ્વે સ્ટેશન તરફથી મેમ્કો તરફ જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે અલ્કા બેકરી પાસે સ્થળ પર વોચ ગોઠવીને શંકાસ્પદ ઓટો રિક્ષાને પકડી પાડી હતી.પોલીસે રિક્ષામાં સવાર મુનાફખાન ઉર્ફે ભાયા ઉમેદખાન હિમ્મતખાન કુરેશી (ઉં.વ. ૩૦), હુસેનખાન કાલેખા ઉમરખા પઠાણ (ઉં.વ. ૨૭) અને રિક્ષાચાલક સરફરાજ ઉર્ફે શાહરૂખ ફરીદભાઈ હસુભાઈ શેખ (ઉં.વ. ૩૬, ત્રણેય રહે. કસબા, કડી, જિ. મહેસાણા)ની અટકાયત કરી હતી. તેમની પાસે રહેલી બે બેગના ૭ પેકેટ અને જેકેટમાંથી મળેલી પ્લાસ્ટિકની થેલીમાંથી કુલ ૧૩ કિલો ૬૨૨ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, ઓટો રિક્ષા, રૂ. ૫૫ હજારની કિંમતના ૩ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૭.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ગણેશે પોતાના બે માણસો નંદકિશોર અને સુમંતા મારફતે ગોમતીપુર બાજુ મોકલ્યો હતો. મુખ્ય આરોપી મુનાફખાને નંદકિશોરને ઓનલાઈન ફોન-પે મારફતે રૂ. ૭૫ હજાર ચૂકવ્યા હતા અને રૂ. ૧ લાખ રોકડા આપ્યા હતા. બંને ડિલિવરી બોયને રેલવે સ્ટેશને ઉતારીને આરોપીઓ ગાંજો લઈને કડી પરત જઈ રહ્યા હતા ત્યારે પકડાઈ ગયા હતા. તેઓ ઓરિસ્સાથી ગાંજો મંગાવી કડી GIDC અને બુઢાસણ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું. પોલીસે ઓરિસ્સાના મુખ્ય સપ્લાયર સહિત ત્રણેય વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *