શિવ બંગલોઝમાં સ્ટીલની બકેટમાં વિદેશી દારૂ અને બીયર મિશ્ર કરી કૂદકા મારતા મહેમાનોનો વીડિયો વાયરલ

મહારાષ્ટ્રથી આવેલા સંબંધીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ

અમદાવાદ

ગુજરાતમાં ચોપડે ડ્રાય સ્ટેટ હોવા છતાં અવારનવાર દારૂની મહેફિલોની ઘટનાઓ સામે આવતી રહે છે.ત્યારે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા નાના ચિલોડા ખાતે વાસ્તુ પૂજનના એક પવિત્ર પ્રસંગમાં દારૂ અને બીયરની મહેફિલ માણવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

નાના ચિલોડા ખાતે આવેલા નંદીગ્રામ સોસાયટી પાછળ સ્થિત શિવ બંગલોઝના ઘર નંબર ૮૭માં રહેતા ધીરજકુમાર કેશવલાલ પરમારના ઘરે ગત ૧૫ નવેમ્બરના રોજ વાસ્તુ પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુંબઈ અને મહારાષ્ટ્રથી તેમના સગા-સંબંધીઓ તથા મિત્રવર્તુળ મહેમાન તરીકે ખાસ આવ્યા હતા.વાસ્તુ પ્રસંગ દરમિયાન પવિત્ર ચરણામૃત આપવાને બદલે સ્ટીલની મોટી બકેટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના ટીન ભેગા કરી મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાજર મહેમાનો દ્વારા વારાફરતી આ દારૂનું સેવન કરવામાં આવ્યું હતું અને નશાની હાલતમાં કૂદકા મારી ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર દારૂની મહેફિલનો વીડિયો મોબાઇલ વડે ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી.સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ સફાળી જાગીને હરકતમાં આવી હતી અને ૨૦ નવેમ્બરના રોજ વધુ તપાસ આરંભી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી કરીને ઘટનાસ્થળે પહોંચી રેડ પાડવામાં આવી હતી, પરંતુ રેડ દરમિયાન મકાનમાંથી દારૂની કોઈ બોટલ મળી આવી નહોતી. જોકે, વાયરલ વીડિયોના આધારે પોલીસે મકાન માલિક સહિત મુંબઈના વિદ્યાવિહાર અને ઘાટકોપર વિસ્તારમાંથી આવેલા મહેમાનો સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૬૫(એ) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વગર પાસ-પરમિટ ભારતીય બનાવટની વિદેશી દારૂની ચાર બોટલ અને બીયરના ત્રણ ટીન બકેટમાં મિલાવીને આ મહેફિલ માણવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા તમામ શંકાસ્પદ વ્યક્તિઓના રહેઠાણ, ધંધો તથા પરમિટ છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *