પ્રિસ્ક્રિપ્શનમાં છેડછાડ કરી મેડિકલ સ્ટોરમાંથી ઘેનની દવાઓ મેળવી કોરા ચેક પર સહીઓ કરાવી તબિયત લથડતાં હોસ્પિટલના બ્લડ રિપોર્ટમાં ઝેરી અને ઘેનની દવાનો વિસ્ફોટક ખુલાસો થયો અમદાવાદ તા.20 પાલડી વિસ્તારમાં 79 વર્ષીય વૃદ્ધાને પ્રતિબંધિત ઘેનની દવાઓ ખવડાવવાના કારણે તેઓ અર્ધબેભાન અવસ્થામાં રહેતાં હતાં, જેનો ગેરલાભ ઉઠાવીને તેમના બેંક ખાતામાંથી રૂ. 1.84 કરોડ ટ્રાન્સફર કરી લેવાની અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પુત્રના અચાનક અવસાન બાદ સાસુ સાથે રહેવા આવેલી પુત્રવધૂએ જ આ આખું કાવતરું રચ્યું હોવાનો ખુલાસો થયો છે. આ ચકચારી મામલે પીડિત વૃદ્ધા જયશ્રીબેન શાહે પોતાની પુત્રવધૂ અંકિતાબેન શાહ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ આંબાવાડી ખાતે રહેતાં 79 વર્ષીય જયશ્રીબેન શાહના પુત્ર અભિષેકનું 12 મે, 2024ના રોજ હાર્ટ એટેકથી આકસ્મિક અવસાન થયું હતું. પુત્રના મૃત્યુ બાદ જયશ્રીબેન પાલડીના મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા શાંતિકુંજ ફ્લેટમાં પુત્રવધૂ અંકિતાબેન અને પૌત્રી સાથે રહેવા ગયાં હતાં. પુત્રના અવસાન બાદ અંકિતાબેને સતત ઝઘડા કરી ઇમોશનલ પ્રેશર ઊભું કરીને જયશ્રીબેનના HDFC બેંકના જોઈન્ટ ખાતામાં પોતાનું નામ દાખલ કરાવી લીધું હતું. ત્યારબાદ ઘરખર્ચના બહાને ડરાવી-ધમકાવીને સાસુ પાસે કોરા ચેક પર બળજબરીથી સહીઓ મેળવવાની શરૂઆત કરી હતી.આરોપી પુત્રવધૂએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જાતે અથવા તો કોઈ મળતિયા મારફતે છેડછાડ કરીને પ્રતિબંધિત ઘેનની દવા (‘Tab Trika 0.5’) પાલડીના મેડિકલ સ્ટોરમાંથી મેળવી લીધી હતી. તે સાસુને નિયમિતપણે આ ઘેનની દવા ખવડાવતી હતી, જેના કારણે જયશ્રીબેનને સતત ઘેન અને ચક્કર રહેતાં હતાં તથા તબિયત બગડતાં વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડતાં હતાં. સપ્ટેમ્બર 2025માં જયશ્રીબેનની તબિયત અત્યંત લથડતાં તેઓ પોતાની દીકરી કોષાને પણ ઓળખી શકતાં ન હતાં. જેથી દીકરીએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં કરાયેલા બ્લડ રિપોર્ટમાં તેમને ઝેરી અને ઘેનની દવાઓ સતત અપાતી હોવાનો વિસ્ફોટક ખુલાસો થયો હતો.હોસ્પિટલના રિપોર્ટથી શંકા જતાં દીકરી અને જમાઈએ જયશ્રીબેનના બેંક ખાતાની વિગતો ચકાસતાં જમીન સરકી જાય તેવી વિગતો બહાર આવી હતી. જેમાં અંકિતાબેને સહી કરાવેલા કોરા ચેક દ્વારા HDFC બેંકમાંથી પોતાના વ્યક્તિગત ખાતામાં અને મ્યુચ્યુઅલ ફંડમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, મૃતક પતિ અભિષેકના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કોટક મહિન્દ્રા બેંકના ખાતામાંથી પણ ઓનલાઈન ટ્રાન્જેક્શનથી નાણાં ટ્રાન્સફર કર્યા હતા. આમ, પુત્રવધૂએ કુલ રૂ. 1.84 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી પચાવી પાડતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. Post navigation એલિસબ્રિજ અને સરખેજમાંથી ₹૨.૨૬ લાખના મુદ્દામાલ સાથે ૨ ગાંજા પેડલર ઝડપાયા ગીરવે પડેલી મિલકત છોડાવવાના નામે બોડકદેવના વેપારી સાથે રૂ. 4.50 કરોડની ઠગાઈ