૫૮ વર્ષીય મહિલા પાસેથી ૧૨૩ ગ્રામ ગાંજો જપ્ત, અન્ય એક સાગરીત ફરાર

૧૦૫ ગ્રામ ગાંજો, રૂ. ૧ લાખની ઓટો રિક્ષા અને મોબાઇલ કબ્જે

અમદાવાદ તા.20

શહેરને નશા મુક્ત કરવા માટે હાથ ધરાયેલા ‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી’ અભિયાન અંતર્ગત ઝોન-૭ પોલીસ અને એલસીબીની ટીમે સઘન પેટ્રોલીંગ તથા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. યુવાધનને માદક પદાર્થોના રવાડે ચડતા અટકાવવા તથા નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી પોલીસે એલિસબ્રિજ અને સરખેજ વિસ્તારમાંથી ૦૨ સફળ એનડીપીએસ (NDPS) કેસ શોધી કાઢ્યા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે બે આરોપીઓને રૂ. ૨,૨૬,૫૦૦ ના કુલ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં માદક પદાર્થોના સ્પ્રેડિંગ અને પેડલિંગ પર કડક નજર રાખવા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. આ યોજના હેઠળ ઝોન-૭ ના એમ-ડિવિઝન તથા એન-ડિવિઝન હેઠળના પોલીસ મથકોની ટીમો દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલીંગ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટુકડીઓએ દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન પ્રથમ કેસમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશનગર હાઉસિંગ, મુદારીયાપુરા ખાતેથી ૫૮ વર્ષીય પનીબેન ધનાભાઈ મારવાડીને રૂ. ૬,૦૦૦ ની કિંમતના ૧૨૩ ગ્રામ ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવી હતી. જ્યારે મુદારીયાપુરા મારવાડી વાસના છાપરામાં રહેતો ભગાભાઈ લક્ષ્મણભાઈ મારવાડી પકડાયો ન હોવાથી પોલીસે તેને શોધવા કવાયત તેજ કરી છે. બીજા બનાવમાં સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ઝોરાવર સૈયદ બાવા દરગાહ પાસે સિપાઈ વાસમાંથી ૩૪ વર્ષીય શાહરૂખખાન અશરફખાન પઠાણ નામના શખ્સને ઝડપી લેવાયો હતો. પોલીસે તેની પાસેથી રૂ. ૫,૨૫૦ ની કિંમતનો ૧૦૫ ગ્રામ ગેરકાયદે ગાંજો, રૂ. ૧,૦૦,૦૦૦ ની કિંમતની બજાજ ઓટો રિક્ષા (GJ-01-TJ-4971) તથા રૂ. ૮,૦૦૦ નો ૧ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૧૩,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝોન-૭ પોલીસે બંને કિસ્સામાં ગુના નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *