આરોપી 2024થી ભોંયરામાં ડ્રગ્સ બનાવતો હતો, કોને આપતો હતો, રો મટીરીયલ ક્યાંથી લાવ્યો હતોઃ એનસીબીની રજૂઆત

આરોપીને કોર્ટે 1દિવસના રિમાન્ડ પર સોંપ્યો

અમદાવાદ
શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા બંગલાના ભોયરાામં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાયા બાદ આરોપી મુદ્દસર ખાનને 3 દિવસના રિમાન્ડની માગ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં એનસીબીએ આરોપીના બેંક એકાઉન્ટ, ડ્રગ્સ કોને આપતો હતો રો મટીરીયલ ક્યાંથી લાવતો હતો સહિતના મુદ્દે તપાસ કરવા રિમાન્ડની માગણી કરી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીને 1 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.
NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અને અમદાવાદ પોલીસે સંયુક્ત દરોડો પાડી ઘટનાસ્થળેથી એમડી ડ્રગ્સ બનાવવા માટેનું 130 કિલો કેમિકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંગલાના ભોંયરામાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતા મુદ્દસર ખાનને ઝડપી લઇ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રજૂ કરાયો હતો. જ્યાં એનસીબી તરફે ખાસ એડવોકેટ મહેશ પટેલે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપી અને તેનું કુટુંબ સરખેજમાં રહે છે અને આરોપી 1.50 કરોડનો બંગ્લો ધરાવે છે જેમાં ભોંયરુ છે. જેમાં આરોપીએ મેફાડ્રોન બનાવાની ફેક્ટરી 2024થી શરૂ કરવામાં આવી હતી. 130 કિલો મેફેડ્રોન બનાવવાનું કેમિકલ મળી આવ્યું છે જ્યારે 26.67 ગ્રામ તૈયાર MD મળ્યું છે. ત્યારે આરોપી આટલુ મટીરીયલ ક્યાંથી લાવ્યો?, આરોપી બે વર્ષથી ફેક્ટરી ચલાવી જે ડ્રગ્સ બનાવ્યું તે કોને વેચ્યું?, આરોપીની નાંણાકીય સ્થિરતા તપાસવા મુદ્દે આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરવી જરૂરી છે, આરોપી પાસેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ મળી આવ્યું છે તો તેની સાથે અન્ય કોની કોની સંડોવણી છે સહિતના મુદ્દે તપાસ કરવા માટે આરોપીના 3 દિવસના રિમાન્ડની જરૂર છે.
બીજી તરફ આરોપીને કોર્ટે પુચ્છા કરી હતી કે, તપાસ એજનસી સામે કોઇ ફરિયાદ છે ત્યારે તેણે ઇનકાર કર્યો હતો. બીજી તરફ આરોપીના વકીલે રિમાન્ડ અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં કાયમી રહીએ છીએ, તપાસમાં સહકાર આપ્યો છે ત્યારે વધુ રિમાન્ડ ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીને 1 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.

એનસીબી પાસે પોતાનું લોકઅપ જ નથી
એનસીબીએ હાલ આરોપીને ઝડપી લીધો છે અને રિમાન્ડ મેળવ્યા છે પરંતુ રિમાન્ડ બાદ દરરોજ સાંજે આરોપીને રાખવા માટે એનસીબી પાસે પોતાનું લોકઅપ જ નથી. જેથી એનસીબી આરોપીને પોતાની ઓફિસની નજીક આવેલ પોલીસ મથકના લોક અપમાં આરોપીને મુકશે અને તે અંગે સ્ટેશન ડાયરીમાં પણ નોંધ કરશે. અગાઉ પણ આરોપીઓને એનસીબીએ ઝડપ્યા હતા તેમને પણ આજ રીતે અન્ય પોલીસ મથકની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *