હરિદર્શન ચાર રસ્તા પાસે બાઇકને ટક્કર મારી ભાગ્યા બાદ વિઠ્ઠલ પ્લાઝા ખાતે કાર અને બાઇકને અડફેટે લીધા

આરોપી આકાશ સથવારા સોલા વિસ્તારમાં આવેલા કિયાના શો-રૂમમાં એડવર્ટાઇઝ વિભાગમાં કામ કરે છે, ગાડી રિપેરિંગ માટે જતો હોવાનો બચાવ

અમદાવાદ તા.17

નરોડા વિસ્તારમાં સોમવારે નશાની હાલતમાં સ્કોર્પિયો કાર હંકારીને ચાલકે હરિદર્શન ચાર રસ્તા અને હંસપુરા ખાતે એક કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા. સ્થાનિકોએ ઝડપીને મેથીપાક આપી પોલીસને સોંપેલા ખોડીયારનગરના 27 વર્ષીય આરોપી આકાશ અમરતભાઈ સથવારાની જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સોલા વિસ્તારમાં કિયા (Kia)ના શો-રૂમમાં એડવર્ટાઇઝ વિભાગમાં કામ કરે છે અને તે ગાડી રિપેરિંગ કરાવવા જઈ રહ્યો હોવાનું રટણ કરી રહ્યો છે.

દહેગામમાં રહેતા અને GLS યુનિવર્સિટીમાં ડિઝાઇનિંગનો અભ્યાસ કરતા 20 વર્ષીય જય સોનારા ગત 16 નવેમ્બરે રાત્રે 9 વાગ્યાની આસપાસ હંસપુરા ખાતે આવેલા વિઠ્ઠલ પ્લાઝામાં દીપિકા સાડીની દુકાન સામે પોતાની કાર પાર્ક કરીને વચ્ચેની સીટમાં બેઠા હતા. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા સ્કોર્પિયો ચાલકે જયની કારને ટક્કર મારી હતી અને ત્યારબાદ પાછળ પાર્ક કરેલી લલિતભાઈ ગૌતમભાઈ મેસરીયાની બાઇકને પણ અડફેટે લીધી હતી. અકસ્માત થતાં એકઠા થયેલા લોકોએ ચાલકને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તે નશાની હાલતમાં લથડિયાં ખાતો હતો અને તેના મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આકાશ સથવારાએ હંસપુરા પહોંચતા પહેલાં નરોડા જી.ઈ.બી. (હરિદર્શન) પાસે એચ.પી. પેટ્રોલ પંપ સામેના રોડ પર નિખિલભાઈ ઉતેકરની બાઇકને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યાંથી ભાગીને હંસપુરા વિઠ્ઠલ પ્લાઝા ખાતે બીજો અકસ્માત સર્જ્યો હતો.આ અંગે ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે, આરોપી આકાશ અમરતભાઈ સથવારા સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અકસ્માતમાં વાહનોને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. આરોપી સોલા વિસ્તારમાં કિયાના શો-રૂમમાં એડવર્ટાઇઝનું કામ કરે છે અને તે ગાડી રિપેરિંગ માટે જતો હોવાનું જણાવી રહ્યો છે. તેણે કઈ જગ્યાએ કેફી પીણું પીધું હતું અને તેની સાથે અન્ય કોઈ હતું કે કેમ તે દિશામાં ઉલટતપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *