મધ્ય પ્રદેશના મંદસૌર અને જાઓરા સુધી ફેલાયેલા આંતરરાજ્ય નેટવર્કની તપાસ તેજ આરોપી મુદસ્સર અહેમદખાન પઠાણના વધુ ૩ દિવસના રિમાન્ડ મંજૂર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા સરખેજ-ગયાસપુર રોડ પર આવેલા લબ્બેક પાર્કના રહેણાકમાંથી ઝડપાયેલી ગેરકાયદે મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની લેબોરેટરીના કેસમાં મહત્ત્વની કડીઓ હાથ લાગી છે. NCB દ્વારા આરોપી મુદસ્સર અહેમદખાન મન્સુર અહેમદખાન પઠાણની વધુ ૪ દિવસની કસ્ટડી રિમાન્ડની માગણી સાથે અમદાવાદ (ગ્રામ્ય) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે આરોપીને વધુ ૩ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. બીજી તરફ, તપાસમાં ખૂલાસો થયો છે કે, આરોપીએ રાજસ્થાનના પ્રતાપગઢના પોલ્ટ્રી ફાર્મમાં પણ ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત આ કેસના તાર મધ્ય પ્રદેશના મંદસૌર અને જાઓરા સુધી ફેલાયેલા હોવાથી આંતરરાજ્ય નેટવર્કની તપાસ તેજ કરી છે.ચોક્કસ બાતમીના આધારે NCB અમદાવાદની ટીમે ગયાસપુર ખાતે આવેલા લબ્બેક પાર્ક સ્થિત મુદસ્સર અહેમદખાન પઠાણના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનના બેઝમેન્ટમાં ધમધમતી ગુપ્ત લેબોરેટરી મળી આવી હતી, જ્યાંથી અંદાજે ૮૦૦ થી ૯૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર થઈ શકે તેટલો કેમિકલનો જથ્થો અને સાધનો જપ્ત કરાયા હતા. આ ઉપરાંત સ્થળ પરથી ૨૬.૬૭ ગ્રામ લિક્વિડ મેફેડ્રોન અને ૦.૭૬ ગ્રામ પાવડર સ્વરૂપનું ડ્રગ્સ પણ કબજે લેવાયું હતું. NCBએ તા. ૧૬ નવેમ્બરના રોજ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી એનસીબીએ તપાસ તેજ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો ખૂલી હતી. જેથી આજે રિમાન્ડ પૂરા થતા આરોપીને ફરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આંતરરાજ્ય સપ્લાય ચેઇન સ્થાપિત કરવા, ફરાર આરોપીઓની ધરપકડ કરવા, કેમિકલ સપ્લાયર્સની ઓળખ કરવા તેમજ ડ્રગ્સના વેચાણથી થયેલી આર્થિક લેવડદેવડ અને બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવા એકત્ર કરવા માટે NCB દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ખૂલાસાઆરોપીની પૂછપરછમાં આ નેટવર્ક ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલું હોવાનું જણાયુ છે. જેમાં રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના નૌગાંવના અકરમ ભાઈ, શેરદિલ ખાન, જુનૈદ ખાન અને મધ્ય પ્રદેશના મંદસૌરના દાનિશની સંડોવણી ખૂલી છે.આરોપીએ કબૂલ્યું છે કે તેણે અગાઉ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના નૌગાંવ ખાતે આવેલા જુનૈદના પોલ્ટ્રી ફાર્મમાં જુનૈદ સાથે મળીને મેફેડ્રોન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત અકરમ ભાઈ અને શેરદિલ ખાન પણ નૌગાંવમાં ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાયમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.મુદસ્સરઅહેમદખાન પોતાના અંગત વપરાશ માટે મધ્ય પ્રદેશના મંદસૌરના દાનિશ પાસેથી મેફેડ્રોન ખરીદતો હતો. આ માટે તે પત્નીના નામે રજિસ્ટર્ડ Citroen C3 કાર લઈને દાહોદ-મધ્ય પ્રદેશ બોર્ડર અથવા મધ્ય પ્રદેશના જાઓરા જતો હતો અને રોકડ રકમ ચૂકવીને ડ્રગ્સની ડિલિવરી મેળવતો હતો.ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ આરોપીએ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન IndiaMART મારફતે અમદાવાદના ઓઢવ અને કઠવાડા વિસ્તારના સપ્લાયર્સ પાસેથી ખરીદ્યા હતા. જ્યારે લેબોરેટરી માટેના કાચના સાધનો (ગ્લાસવેર) ઓઢવ ખાતે આવેલી ‘રૂહી’ અથવા ‘જુહી’ નામની દુકાનમાંથી ખરીદ્યા હોવાની કબૂલાત કરી છે. Post navigation આર્મી ઓફિસર બની પ્રેશર ગેજ ખરીદવાના બહાને નિવૃત્ત વેપારી સાથે રૂ. 2.60 લાખની ઓનલાઈન ઠગાઈ તથ્ય કેસમાં મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન આપનાર મિત્રો કોર્ટમાં સ્પીડ મુદ્દે ફરી ગયા