કેન્ટોનમેન્ટ બોર્ડમાં વેન્ડર રજીસ્ટ્રેશન અને ગેટ પાસના નામે રચ્યું મોટું તરકટ કુનાલ ચૌધરી નામના ગઠિયાએ આર્મી કેન્ટીન કાર્ડ અને ખોટા કોન્ટ્રાક્ટની લાલચ આપી આચર્યું સાયબર ફ્રોડ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને મશીનરીના પાર્ટ્સના ધંધા સાથે સંકળાયેલા નિવૃત્ત વેપારી સાથે આર્મી ઓફિસરની ખોટી ઓળખ આપી રૂ. 2,60,192 ની છેતરપિંડી આચરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી રાકેશભાઈ ધનજીભાઈ જોગાણી (ઉ.વ. 53) જેઓ ઠક્કરબાપાનગર વિસ્તારમાં અમીકુંજ સોસાયટીમાં રહે છે, તેમને ગત તા.28 ઓક્ટોબર ના રોજ રાત્રે આઠેક વાગ્યાના સુમારે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનાર ઇસમે પોતાની ઓળખ ‘કુનાલ ચૌધરી’ અને આર્મી ઓફિસર તરીકે આપી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી પ્રેશર ગેજનો ફોટો અને પ્રાઇસ લિસ્ટ મંગાવ્યા બાદ ૫૦ નંગ પ્રેશર ગેજનો ઓર્ડર આપ્યો હતો. આરોપીએ સામાનની ડિલિવરી અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ ઓફિસમાં કરવાની હોવાનું જણાવી ગેટ પાસ બનાવવા અને વેન્ડર રજીસ્ટ્રેશન કરવા માટે બિલની રકમ અગાઉથી મોકલી આપવાનું કહ્યું હતું જે બાદમાં રિફંડ મળી જશે તેવી લાલચ આપી હતી. આરોપીએ તેના આર્મીમેન સાથી કુલદિપસિંહનો સંપર્ક કરાવ્યો હતો.ગઠિયાઓની આ જાળમાં ફસાઈને નિવૃત્ત વેપારીએ કોસ્ટલ લોકલ એરિયા બેંક અને એક્સિસ બેંકના ખાતામાં ટુકડે-ટુકડે કુલ રૂ. 2,60,192 ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. આરોપીઓ દ્વારા વધુ ટ્રાન્જેક્શન બતાવી ૭ વર્ષનો મોટો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી સતત નાણાંની માંગણી ચાલુ રાખવામાં આવી હતી. આરોપીઓ પર શંકા જતા વેપારીએ આધાર કાર્ડ અને આર્મી કેન્ટીન કાર્ડની માંગણી કરી હતી પરંતુ ભરોસો ન બેસતા અંતે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કમ્પ્લેઈન નોંધાવી હતી. જેમાં રૂ. 1,02,255 જેટલી રકમ હોલ્ડ પર થઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Post navigation 64 લાખના સોનાની લૂંટ પ્રકણમાં પોલીસ કર્મચારી મહિપાલસિંહની ધરપકડ, જેલ હવાલે MD ડ્રગ લેબોરેટરી કેસમાં વધુ પર્દાફાશ: રાજસ્થાનના પ્રતાપગઢના પોલ્ટ્રી ફાર્મમાં પણ ડ્રગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો