- ‘યાસ’ વાવાઝોડુ ધારણ કરી શકે છે ભીષણ સ્વરૂપ
- વાવાઝોડું તોફાનનું સ્વરૂપ લેશે તેવી હવામાન વિભાગની ચેતવણી
- વાવાઝોડાનો સામનો કરવા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની ટીમ તૈનાત
- એનડીઆરએફની રાહત અને બચાવ ટીમે લોકોને સ્થળાંતર કરવા કર્યો આગ્રહ
- 24 કલાકમાં આ વાવાઝોડું ધારણ કરશે તોફાનનું સ્વરૂપ
પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારાના વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડા યાસનો ખતરો જણાઈ રહ્યો છે. મોસમ વિભાગે 24 કલાકની અંદર વાવાઝોડું ગંભીર તોફાનનું સ્વરૂપ ધારણ કરશે તેવી અવધારણા પણ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના આ અહેવાલ પ્રમાણે યાસ વાવાઝોડાના કારણે મંગળવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદની પણ અવધારણા છે.
તાઉતે વાવાઝોડાને ગયે હજુ થોડા દિવસો જ થયા છે. અને ત્યાતો બીજું આવી રહેલું વાવાઝોડું યાસ વિકરાર સ્વરૂપ ધારણ કરશે તેવી આશંકા સેવાઈ રહી છે. ત્યારે મોસમ વિભાગે આપેલી સુચના પ્રમાણે વાવાઝોડાના કારણે કિનારાના વિસ્તારોમાં 2-4 મીટર ઉંચી લહેરો પણ ઉઠી શકે છે. મોસમ વિભાગે પણ એવું જણાવ્યું છે કે, આ ભીષણ તોફાન દરમિયાન પણ 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા છે, જે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે. હવામાન ક્ષેત્રના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે યાસ વાવાઝોડું બુધવાર સાંજ સુધીમાં ઓડિશાના પારાદીપ અને સાગર આઈલેન્ડ વચ્ચે લેન્ડફોલ પણ કરી શકે છે. યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની અનેક ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઓડિશાની અમુક જગ્યાઓ જેમકે ભદ્રક, કેન્દ્રપાડા, જાજપુર, જગતસિંહપુર અને મયૂરભંજ વિસ્તારો પર સૌથી વધારે અસર થઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી અને ઉત્તર 24 પરગણામાં પણ અસર જોવા મળશે. વધુમાં વાવાઝોડાના અણસારને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સજાગ થઈ ગઈ છે. એનડીઆરએફની રાહત અને બચાવ ટીમ લાઉડસ્પીકર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા આગ્રહ કરી રહી છે.