- સરકારની નોટિસ પર ટ્વિટરનું એક્શન
- ખેડૂત આંદોલન દરમિયાન 500 અકાઉન્ટ્સ હંમેશાં માટે સસ્પેન્ડ
- વિવાદાસ્પદ કન્ટેન્ટવાળાં હેશટેગની વિઝિબિલિટી ઘટાડી
ખેડૂત આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા વિશે સરકારના કડક વલણને કારણે ટ્વિટરે 500 અકાઉન્ટ હંમેશાં માટે સસ્પેન્ડ કરી દીધાં છે. તેમજ સરકારે ટ્વિટરને ઘણાં વિવાદાસ્પદ અકાઉન્ટ્સ અને હેશટેગ હટાવવાની નોટિસ આપી હતી. એના જવાબમાં ટ્વિટરે પગલાં લીધાં છે.
ટ્વિટરે જણાવ્યું છે કે જે અકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે એ કંપનીની નીતિનો ભંગ કરતા હતા તેમજ ટ્વિટરે વધુમાં જણાવ્યું હતું કે ગયાં સપ્તાહોમાં થયેલી હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વિવાદાસ્પદ કન્ટેન્ટવાળાં હેશટેગની વિઝિબિલિટી ઓછી કરી દેવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે ભારતમાં પોતાના નિયમો લાગુ કરવા જે પગલાં લેવામાં આવ્યાં છે એના વિશે રેગ્યુલર અપડેટ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ટ્વિટરે એવું પણ જણાવ્યું છે કે અમુક અકાઉન્ટ્સ એવાં પણ છે, જેમને ભારતમાં બ્લોક કરવામાં આવ્યાં છે, પરંતુ એ અન્ય દેશમાંથી ઓપરેટ કરી શકાશે. એ સાથે જ કહ્યું છે કે ન્યૂઝ મીડિયા, પત્રકાર, એક્ટિવિસ્ટ અને પોલિટિશિયન સાથે જોડાયેલા કોઈપણ અકાઉન્ટ સામે પગલાં લેવામાં આવ્યાં નથી.
સરકારે 2 દિવસ પહેલાં ટ્વિટરને 1178 પાકિસ્તાની અને ખાલિસ્તાની અકાઉન્ટ્સ હટાવવા કહ્યું હતું. સરકારનું કહેવું હતું કે આ અકાઉન્ટ્સ દ્વારા ખેડૂત આંદોલન સાથે જોડાયેલી માહિતી અને ઉશ્કેરણીવાળી કમેન્ટ્સ ફેલાવવામાં આવી રહી છે. તેમજ ટ્વિટરે જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસમાં મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી તરફથી ઘણા આદેશ મળ્યા હતા, જેમાં વિવાદાસ્પદ અકાઉન્ટ્સ બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. એ સાથે જ ટ્વિટરે કહ્યું હતું કે ઓપન ઈન્ટરનેટ અને ફ્રી એક્સપ્રેશનને મજબૂતી આપતી વેલ્યુઝ માટે સમગ્ર દુનિયામાં જોખમ વધી રહ્યું છે.