- વેક્સિનની તંગીના કારણે વેપારીઓને પડી રહી છે મુશ્કેલી
- વેક્સિન ન મળવાને કારણે અમદાવાદના વેપારીઓની ચિંતામાં થયો વધારો
- ૩૦ જુન સુધી તમામ વેપારીઓને વેક્સિન કરાઈ ફરજીયાત
- જથ્થો ન હોવાને કારણે ધંધા પર જોવા મળી માઠી અસર
કોરોના કાળ દરમ્યાન અનેક ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા હતા. ત્યારે ધીમે ધીમે સરકાર દ્વારા છુટ છાટ મળતા વેપારીઓ ધંધાર્થે દુકાનો ખોલી રહ્યા છે. વેપારીઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૩૦ જુન સુધી વેપારીઓને વેક્સિન લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે વેક્સિનની તંગીને કારણે વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક વખત ધંધો બંધ રાખી વેક્સિન લેવા માટે ધક્કા ખાવા પડે છે પરંતુ વેક્સિન ન મળતા ધંધો તો બંધ જ રહે છે પરંતુ વેક્સિન પણ મળતી નથી.
અનેક જગ્યાઓ પર વેક્સિનની અછતને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અમદાવાદમાં પણ વેક્સિન લેવા નાગરિકો લાઈનો લગાવી પોતાના નમ્બરની રાહ જોઈ રહ્યા છે. અનેક હેલ્થ સેન્ટરો પર વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેલાઓનો વારો ત્રણ-ચાર કલાકે આવ્યો હતો. વેક્સિનની અછત હોવાને કારણે અનેક નાગરિકો વેક્સિન લીધા વગર ઘરે પરત જવાનો વારો આવ્યો હતો. વેક્સિનની તંગીની સાથે કેન્દ્રો પરની અવ્યવસ્થાથી લોકો ત્રાસી ગયા છે. તો બીજી તરફ વેપારીઓ, દુકાનદારો, તેમના સ્ટાફને 30મી જુન સુધીમાં વેક્સિન લઇ લેવા જણાવાયું છે અને બીજી તરફ વેક્સિનના જથ્થા ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં વેપારીઓ માટે વેક્સિનની ખાસ વ્યવસ્થા કરવામાં આવે અથવા 30મીની મુદત લંબાવવામાં આવે તેવી માગણી પણ ઉઠવા પામી હતી. વેક્સિનનો જથ્થો ન હોવાને કારણે વેક્સિન પણ નથી મળી રહી તે ઉપરાંત ધંધા પર પણ યોગ્ય ધ્યાન નથી અપાઈ રહ્યું.