24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

બંધારણ ના ઘડવૈયા એવા ડૉ બાબા સાહેબ આંબેડકરની આજે ૧૩૦ મી જન્મ જયંતી

  • બંધારણના ઘડવૈયા એવા ડૉ બાબા સાહેબ આંબેડકરની આજે ૧૩૦ મી જન્મ જયંતી
  • આંબેડકર નું મૂળ નામ “ભીમરાવ રામજી આંબેડકર” હતું
  • તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે
  • બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેઓ ‘બંધારણના ઘડવૈયા’ તરીકે ઓળખાયા
  • ડૉ બાબાસાહેબ આંબેડકર એ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા
  • વર્ષ ૧૯૯૦માં બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા
  • વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને મળ્યું હતું આમંત્રણ   
  • ૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ ના રોજ ડૉ. આંબેડકર અને ગાંધીજીની થઇ હતી પ્રથમ મુલાકાત

બાબાસાહેબ આંબેડકર ‌‍ નો જન્મ ૧૪ એપ્રિલ   ૧૮૯૧માં મહુ, મધ્યપ્રદેશ  મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો.તેઓ  એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેમનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. પરંતુ  તેઓ  ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.તો આવો જાણીએ તેઓના સંઘર્ષમય જીવન વિષે…. 

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ  જે તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ તરીકે ગણાતું હતું ત્યાના એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી.

પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન “રામી” નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી “રમાબાઈ” રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે ‘પ્રાચીન ભારતીય વ્યાપાર’ વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી. જૂન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે “સાયમન કમિશન” ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર “સાયમન કમિશન” સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.

મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ. આંબેડકર નું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું. ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા. ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને ડૉ. આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સાધી શકાઇ નહી. આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી. ડૉ. આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા. તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાજ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો. ડૉ. આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા ‘હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ. તે પ્રમાણે ૧૪ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ ડૉ. આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિ માં ૬,૦૦,૦૦૦ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે,

જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી.  તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી હતી. ૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે ૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો. ૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી “ડોક્ટર એટ લો”ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર” ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: