- સાંજે 6:40 થી 08:55 સુધી હોળિકાની પૂજા કરી શકાશે
- પ્રદોષ કાળ એટલે સાંજે હોલિકા દહન થશે
- ગ્રહોનો આવો મહાસંયોગ 1521માં પણ બન્યો હતો
- ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ પ્રદોષ કાળ સાથે થશે હોલિકા દહન
- આ વર્ષે હસ્ત નક્ષત્ર અને 6 શુભયોગમાં પ્રગટાવવામાં આવશે હોળી
- હોલિકા દહન સાથે હોળાષ્ટક પણ સમાપ્ત થશે


આજે રવિવાર, 28 માર્ચ એટલે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ પ્રદોષ કાળ, આજે સાંજે હોળિકા દહન થશે. આ સમયે હસ્ત નક્ષત્ર સાથે જ 6 મોટા શુભ યોગ પણ રહેશે. ત્યાં જ, ભદ્રા કાળ બપોરે લગભગ 1.55 સુધી જ રહેશે. તે પછી આખો દિવસ શુભ રહેશે. આ વખતે હોળિકા દહનના દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે, 3 રાજયોગ અને 3 અન્ય મોટા શુભ યોગ પણ બની રહ્યા છે. જે એક દુર્લભ સંયોગ છે. નક્ષત્રોની આ ખાસ સ્થિતિમાં હોળિકા દહન થવું દેશમાં સમૃદ્ધિ અને ઉન્નતિનો સંકેત છે. 29 માર્ચ, સોમવારે ધૂળેટીનો ઉત્સવ ઊજવવામાં આવશે. હોલિકા દહન સાથે હોળાષ્ટક પણ સમાપ્ત થઇ જાય છે. આ દિવસે લોકો સુખ-સમૃધ્ધિ અને પરિવારની ઉન્નતિની પ્રાર્થના કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પોતાના ભાઇ હિરણ્યકશ્યપની વાતોમાં હોળિકાએ પ્રહલાદને ચિતામાં સળગાવવાની કોશિશ કરી હતી. પરંતુ પ્રહલાદ સિવાય હોળિકા જ એ ચિતામાં બળીને ભસ્મ થઇ ગઇ હતી. ત્યારથી હોળિકા દહનની પરંપરા ચાલી આવે છે.