- ૧લી મેથી દેશમાં શરૂ થશે ત્રીજા તબક્કાનું વેક્સિનેશન
- વેક્સિનેશન પહેલા ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
- મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
- રાજ્યના તમામ લોકોને અપાશે ફ્રીમાં વેક્સિન
- ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે વેક્સિન


દેશમાં એક તરફ કોરોના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કોરોના વાઈરસને કાબુમાં લાવવા તેમજ વેક્સિનેશનને વેગવંતુ બનાવા કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો હતો. 1લી મેથી ત્રીજા તબક્કાનું વેક્સિનનેશન શરુ થવાનું છે જેમા 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવવાની છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં સીનીયર સિટીઝનને કોરોના વેક્સિન આપવામાં આવી હતી, જયારે બીજા તબક્કામાં 45 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. કોરોના વેક્સિનેશનની ગતિને વેગ આપવા 1 લઈ મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્રીજા તબક્કાનું કોરોના વેક્સિનેશન શરૂ થાય તે પહેલા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.


ગત રોજ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. તેમજ પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસી ના 50 લાખ ડોઝ માટે ઓર્ડર આપી દીધા છે. તેમણે કહ્યું કે કોરોનાથી બચવાનો અમોધ ઉપાય રસીકરણ છે. ત્યારે રાજ્યમાં હાલ જે રીતે રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે તે જ રીતે હવે આગામી 1 મે થી 18 થી 45 વર્ષની વયના સૌ કોઈને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે. આ કોર કમિટીની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ સહીત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સિક્કિમ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ગોવા, કેરળ, છતીસગઢ, ઉત્તર પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલ નાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, અને હરિયાણા સહીત અનેક રાજ્યોએ ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી છે.