- જળયાત્રાની પરંપરા જાળવવા સરકારે આપી મંજુરી
- ૨૪ જુનના રોજ નીકળવાની છે જળયાત્રા
- ૫૦ ભક્તોની હાજરીમાં યોજાશે જળયાત્રા
- ૧૦૮ કળશને બદલે માત્ર ૫ કળશ સાથે નીકળશે યાત્રા
- જળયાત્રાને પરવાનગી આપ્યા બાદ રથયાત્રા કાઢવા અપાશે પરવાનગી..?
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા પરંપરાગત જળયાત્રા યોજાતી હોય છે. કોરોના મહામારીના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ 24 જુનના રોજ ૫૦ શ્રદ્ધાળુઓની હાજરીમાં જળયાત્રા નીકળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જળયાત્રા યોજવાને લઈ મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ પણ હાજર રહેશે.
૧૨ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે દર વર્ષે પરંપરા ગત રીતે નીકળતી રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી વિચારણા ચાલી રહી છે. તે બધા વચ્ચે ૨૪ જુનનના રોજ યોજાનારી જળયાત્રાને પરવાનગી આપી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે જળયાત્રા યોજવાની પરવાનગી આપી દીધી છે. જળયાત્રાથી રથયાત્રાના શ્રી ગણેશ થતા હોય છે. પરંપરાગત રીતે ૧૦૮ કળશની સાથે જળયાત્રા નીકળતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે માત્ર પાંચ કળશ નીકાળી પરંપરાને જાળવવામાં આવશે. પાંચ કળશની સાથે મંદિરોના સેવકો અને મંદિરના મહંત જોડાશે. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન થશે જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા ઉપસ્થિત રહેશે . તે ઉપરાંત માત્ર એક જ ગજરાજ ઉપસ્થિત રહેશે. જોકે દરવર્ષે 18 ગજરાજ ઉપસ્થિત રહેતા હોય છે. જળયાત્રાની પરવાનગી મળતા ભક્તોને આશા જાગી છે કે ઓછા ભક્તોની હાજરીમાં રથયાત્રા નીકાળવાની પરવાનગી આપવામાં આવશે.