- નર્મદામાં કોરોનાના કારણે થયા ત્રણ લોકોના મોત
- હોમ ક્વોરૅન્ટીન પરિવારોને પડે છે જમવાનું બનવવામાં મુશ્કેલી
- બર્ક ફાઉન્ડેશનનો સેવાભાવી પરિવાર આવ્યો ક્વોરૅન્ટીન પરિવારોની વ્હારે
- કોરોના ગ્રસ્ત પરિવારને વિનામૂલ્યે ટીફીન પહોચાડી સંસ્થા કરે છે સેવા કાર્ય
નર્મદામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. વધુમાં કોરોનાને કારણે ત્રણના મોત પણ થયા છે. ત્યારે ખાસ કરીને કેટલાક એવા પરિવારો છે જેમાં આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો છે. આવા પરિવારોમા મોટા ભાગના હોમ કોરન્ટાઈન થયા છે. ત્યારે તેમના માટે બે ટાઈમ જમવાનું બનાવવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. કોરોના સંક્ર્મણના ડરને કારણે પાડોશીઓ કે સગા સંબંધીઓ પણ ભોજન કે ટિફિન પહોંચાડી શકતા નથી. ત્યારે આવા કપરા સમયે રાજપીપળાની સેવાભાવી સંસ્થા બર્ક ફાઉન્ડેશનનો સેવાભાવી પરિવાર મદદે આવ્યો છે. ફાઉન્ડેશન કોરોના ગ્રસ્ત પરિવારને ટીફીન પહોચાડી માનવતા મહેકાવી રહ્યા છે.
રાજપીપળામાં કોરોના સંક્રમિત થયેલા કુલ 49 જેટલા પુરા પરિવારને સવાર અને સાંજનું વિનામુલ્યે જમવાનું બકૅ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે 60 થી 70જેટલા અન્ય જરૂરતમંદોને પણ વિનામુલ્યે આપવામાં આવે છે.રોજ કોરોનાના પરિવારના લગભગ દસ ફોન આવે છે. બકૅ ફાઉન્ડેશન તેમણે જમવાનું પૂરું પાડે છે. જેમાં દાળ, ભાત, શાક, રોટલી કચુંબર, સાથેનો પૌષ્ટિક આહાર આપે છે. દર્દીઓ જલ્દી સાજા થાય એ માટે રોજ સવાર સાંજનો મેનુ અલગ અલગ હોય છે.તાજુ ગરમાગરમ જમવાનું પહોંચાડવામાં આવે છે.અને સાથે કોઈને બીજી ફળ,બિસ્કીટ, દૂધ,દવા વગેરેની જરૂર હોય પણ તાત્કાલિક પહોચતું કરાય છે. આ ઉપરાંત ફાઉન્ડેશનનો ફોન પણ ચોવીસ કલાક ચાલુ હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે બપોરે અને સાંજે 49 પરિવારના જમ્યા પછી જ ફાઉન્ડેશનના સભ્યો જમે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સમય છે લોકોની મદદ કરવાનો. કોરોના કપરા કાળમાં કોઈ એક બીજાનું મોઢું પણ જોતા નથી. એવા સંજોગો માં અમને અમારી ભોજન સેવા પુરી પાડ્યાનો વિશેષ આનંદ છે. કોરોના દર્દીઓ ની સેવા કરવાનો આના કરતા ઉત્તમ સમય મને બીજો કોઈ નથી લાગતો. ઉલ્લેખનીય છે કે કપરા સમયમાં મદદરૂપ કેવી રીતે થવું એ આ બર્ક પરિવાર પાસેથી શીખવા જેવું છે. અન્ય લોકો અને સંસ્થાઓ માટે બર્ક પરિવારની સેવા કોરોના અને જરૂરિયાતમંદો માટે પ્રેરણારૂપ જરૂર બન્યા છે.
દીપક જગતાપ લાઈવ ગુજરાત ન્યુઝ રાજપીપળા