- દિલ્હીમાં ખેડૂત આંદોલન યથાવત
- અત્યારે ગુજરાત કેન્દ્રના નિયંત્રણ હેઠળ છે : ટિકેત
- ખેડૂત આંદોલન અનિશ્ચિત મુદત સુધી રહેશે ચાલુ
દિલ્હી સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, અમે દેશભરમાં રેલીઓ કાઢીશું. ગુજરાત જઇ તેને આઝાદ કરાવીશું. અત્યારે ગુજરાત કેન્દ્રના કન્ટ્રોલમાં છે. ભારત આઝાદ છે. પણ ગુજરાતના લોકો કેદમાં છે. જો તેઓ આંદોલનમાં સામેલ થવા ઇચ્છે તો તેમને જેલમાં ધકેલી દેવાય છે.
છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો અંત આવતો દેખાઈ રહ્યો નથી. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે શુક્રવારે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન અનિશ્ચિત મુદત સુધી ચાલુ રહી શકે છે કારણ કે આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે તે હજુ નક્કી કરાયું નથી. આંદોલન ઓક્ટોબર મહિના સુધી પણ લંબાઈ શકે છે. આમ પણ દર બીજી ઓક્ટોબરે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો દેખાવો કરતા આવ્યા છે. બીજી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ખેડૂતો પર ટિયરગેસ અને ગોળીબાર કરાયાં હતાં. તેના વિરોધમાં દરવર્ષે દેખાવો થાય છે. સંસદમાં ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા થઈ રહી છે તે સારી બાબત છે. વાજબી કારણ હશે તો જ ખેડૂતો આટલા લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. આખા દેશમાં ખેડૂત આંદોલન કરી રહ્યો છે તો તેની પાછળ કારણ હશે. ખેડૂતોને કૃષિ કાયદા સ્વીકાર્ય નથી તો તેને નાબૂદ કેમ કરાતા નથી?
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે રાજસ્થાનમાં ૩ ખેડૂત મહાપંચાયતમાં ભાગ લીધો હતો. પદમપુરમાં ખેડૂતોની મહાપંચાયતમાં મોદી સરકાર પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદા લાગુ થશે તો ૪૦ ટકા કૃષિ વેપાર ફક્ત બે વ્યક્તિના હાથમાં ચાલ્યો જશે. કૃષિ કાયદા મંડી વ્યવસ્થા નાબૂદ કરવા, જમાખોરી શરૂ કરવા અને ખેડૂતોનો કોર્ટમાં જવાનો અધિકાર છીનવી લેશે.