- પંડિત દિનદયાળ ઉપાધ્યાયને આપી શ્રદ્ધાંજલિ
- સમર્પણ દિવસ નિમિતે સાંસદોને કર્યું સંબોધન
- દિનદયાળજી અવિરત રૂપે પ્રેરણા આપતા રહ્યા : પીએમ મોદી
- આપણો દેશ સમર્થ હશે ત્યારે જ સમાજની સેવા કરી શકીશું : પીએમ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિતે વડાપ્રધાન મોદીએ પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રદ્ધાંજલિ અર્પી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટી સાંસદોને સંબોધન કરતા કહ્યું હતું કે આજે આપણે બધા દીનદયાળજીની પુણ્યતિથિ પર અનેક ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ભેગા થયા છીએ. પહેલા પણ અનેક અવસરો પર આપણે દીનદયાળજી સંલગ્ન કાર્યક્રમોમાં સામેલ થવાનો, વિચાર રજુ કરવાનો અને આપણા વરિષ્ઠજનોના વિચારો સાંભળવાનો અવસર મળતો રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મારો અનુભવ છે અને તમે પણ મહેસૂસ કર્યું હશે કે આપણે જેમ જેમ દીનદયાળજી વિશે વિચારીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, તેમના વિચારોમાં આપણને દર વખતે એક નવીનતાનો અનુભવ થાય છે. એકાત્મ માનવ દર્શનનો તેમનો વિચાર માનવ માત્ર માટે હતો. આથી જ્યાં પણ માનવતાની સેવાનો પ્રશ્ન હશે, માનવતાના કલ્યાણની વાત હશે, દીનદયાળજીનો એકાત્મ માનવ દર્શન પ્રાસંગિક રહેશે. સમાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારના લોકતાંત્રિક અને મૂલ્યો કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ મોટું ઉદાહરણ છે.