- રાજપીપળામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો
- કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ તંત્ર આવ્યું એકશનમાં
- માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસે હાથ ધરી દંડનીય કાર્યવાહી
રાજ્યમાં કોરોના કેસોમાં ઘરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે અનેક શહેરોમાં પણ કોરોના કેસોનો આંકડો વધી રહ્યો છે. નર્મદા જિલ્લામાં પણ કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. નર્મદા જિલ્લામાં રોજના 20થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં રાજપીપળા શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે વધી રહેલા કોરોના સંક્રમણને લઇ નર્મદાનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. આ અંગે રાજપીપળા ટાઉન પીઆઇ એ.આર જાદવે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન દ્વારા બજારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે પર રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજપીપળા પોલિસ સ્ટેશનના ટાઉન પીઆઇ, પીએસઆઇ અને હાલ પ્રોબેશનમાં આવેલ પીઆઇ ધવલ સુંસેરા દ્વારા શહેરમાં ફરી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બજારમાં દુકાનોમાં અને રાહદારીઓ જે લોકો માસ્ક વગર ફરતા હતા તેમને ઝડપી છેલ્લા 3 દિવસ માં 114 જણા ને ઝડપી પાડી 128 કેસ કરવામાં આવ્યા હતા.જેમાં દરેક ને 1000 રૂ ના દંડ લેખે રસીદ ફાડી જેમાં 1લાખ 28 હજાર રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો. ટાઉન પીઆઇ એ આર જાદવ ના જણાવ્યા અનુસાર રાજપીપલા શહેર અને જિલ્લામાં કોરોના સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. તંત્ર તેમનું કામ કરી રહ્યું છે. પણ જનતાની પણ ફરજ છે કે માસ્ક વગર બહાર ના નીકળે. અને સોસીયલ ડિસ્ટન્સ રાખે. વારંવાર હાથ સૅનેટાઇઝ કરે. ઉલ્લેખનીય છે કે નર્મદામાં ગત માર્ચમાં જે પરિસ્થિતિ હતી તેના કરતા વધીને હાલ મોટા શહેરો જેવી પરિસ્થિતિ થઈ રહી છે. જેમ વડોદરા સુરત અમદાવાદ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં બેડ નથી મળતા એવીજ હાલત રાજપીપળાની ના થાય એ માટે સૌએ જાગૃત બનવા અનુરોધ કર્યો હતો.
દીપક જગતાપ લાઈવ ગુજરાત ન્યુઝ રાજપીપળા